૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના ભોગ બનેલા શીખ નેતાઓ અને પરિવારના સભ્યોએ શનિવારે રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું. સૂત્રોચ્ચાર કરતા વિરોધીઓએ એક પુતળાનું પણ દહન કર્યું. તેમણે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા ભૂતપૂર્વ પાર્ટી નેતા સજ્જન કુમારને ‘હીરો’ અને રોલ મોડેલ તરીકે વર્ણવતા આપેલા નિવેદનો અંગે માફીની માંગ કરી.
વિરોધીઓ રાહુલ ગાંધીના ૫, સુનહેરી બાગ રોડ સ્થિત નિવાસસ્થાન બહાર એકઠા થયા હતા જ્યાં ભારે પોલીસ બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યું હતું. સજ્જન કુમારને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગુરુવારે દિલ્હીની તિહાર જેલમાં તેમનું ૮૦ વર્ષની વયે અવસાન થયું.
કોંગ્રેસના નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ સજ્જન કુમારના મૃત્યુને એક ન ભરવાપાત્ર નુકસાન ગણાવ્યું હતું. દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજે કુમારના નિધનને પાર્ટી માટે મોટું નુકસાન ગણાવ્યું અને કહ્યું કે તેમણે વ્યાપકપણે કામ કર્યું છે ખાસ કરીને ગરીબો માટે. આ નિવેદનથી શીખ સમુદાયમાં રોષ ફેલાયો છે.
શીખોની કોંગ્રેસ પાસેથી માફીની માંગ
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) ના પ્રમુખ હરમીત સિંહ કાલકા અને મહાસચિવ જગદીપ સિંહ કાહલોન દ્વારા કરવામાં આવ્યું હતું. DSGMC ના નેતાઓએ માંગ કરી હતી કે કોંગ્રેસ સ્પષ્ટ કરે કે શું રમખાણો સંબંધિત કેસોમાં દોષિત ઠેરવવામાં આવેલા સજ્જન કુમારને હીરો માનવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે સજ્જન કુમારના મૃત્યુ પછી કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને હીરો ગણાવીને કરવામાં આવેલી ટિપ્પણીઓ વાંધાજનક હતી. તેમણે આગ્રહ કર્યો કે રાહુલ ગાંધીએ આજે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું સજ્જન કુમાર તેમના હીરો છે. “42 વર્ષ પછી અમારા પરિવારોના ઘા ફરી ખુલી ગયા છે. અમારી લાગણીઓને ઠેસ પહોંચી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ આ સ્વીકારવું જોઈએ અને માફી માંગવી જોઈએ.”
સજ્જન કુમારનું ગુરુવારે તિહારમાં અવસાન થયું
તિહાર જેલમાં કેદ રહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારનું ગુરુવારે 80 વર્ષની વયે અવસાન થયું. તેઓ ડિસેમ્બર 2018 થી જેલમાં હતા અને સાત વર્ષ અને આઠ મહિના જેલમાં વિતાવ્યા હતા. તેમને 1984 ના શીખ વિરોધી રમખાણો સંબંધિત બે કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જ્યારે તે જ રમખાણો સાથે જોડાયેલા બે અન્ય કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.