કંપની ગેટ બહાર પરિવારજનોના ધરણા,યોગ્ય વળતરની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકાર્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વાઘોડિયાના લીમડા ગામની એપોલો ટાયર કંપનીમાં ફરજ દરમિયાન એક કામદારનું કરુણ મોત થતા ભારે હોબાળો મચ્યો હતો. છેલ્લા 25 વર્ષથી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા વિષ્ણુભાઈ સોલંકીનું ફરજ દરમિયાન અવસાન થયું હતું.
મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, સવારે 8:00 વાગ્યે કંપનીમાંથી ફોન આવ્યો હતો કે વિષ્ણુભાઈની તબિયત બગડતા તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ પરિવારજનો જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારનો આરોપ છે કે વિષ્ણુભાઈનું મોત કંપની અંદર જ થયું હતું. 25 વર્ષથી કંપનીમાં સેવા આપવા છતાં યોગ્ય વળતર નહીં મળે તેવા ભયથી પરિવારજનો અને સગા-સંબંધીઓ કંપનીના ગેટ બહાર ભેગા થઈ ગયા હતા. વિરોધ કરતા પરિવારે કહ્યું કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે વિષ્ણુભાઈ છેલ્લા 25 વર્ષથી એપોલો ટાયરમાં કામ કરતા હતા. દર પાંચ વર્ષે કોન્ટ્રાક્ટ બદલાતો હતો. કંપનીના અધિકારીઓએ શરૂઆતમાં નિયમ મુજબ વળતર આપવાની વાત કરી હતી પરંતુ કોઈ ચોક્કસ રકમ જાહેર કરી ન હતી. લાંબા સમય સુધી ચાલેલા વિરોધ બાદ અંતે કંપની મેનેજમેન્ટને નમતું જોખવું પડ્યું હતું. મેનેજમેન્ટ દ્વારા નિયમ મુજબ યોગ્ય વળતર આપવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. જે બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા માટે સંમત થયા હતા.