Vadodara

અમદાવાદ–સુરત એરપોર્ટ પર કસ્ટમનો કડક ઘેરાવો: અઢી વર્ષમાં ₹480 કરોડથી વધુના ડ્રગ્સ અને ગોલ્ડ જપ્ત

ઇન્ટરનેશનલ માફિયાઓમાં ફફડાટ; કસ્ટમ અધિકારીઓને ધમકીભર્યા ફોનોથી દબાણ બનાવવાના પ્રયાસો

ડ્રગ્સ-ગોલ્ડ સિન્ડિકેટ સામે કસ્ટમનો કડક પ્રહાર, પ્રોફાઇલિંગના આધારે કેરિયરો ઝડપાયા

વડોદરા::

અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી છેલ્લા અઢી વર્ષ દરમિયાન કસ્ટમ વિભાગે અંદાજે ₹300 કરોડથી વધુનું ડ્રગ્સ અને ₹180 કરોડથી વધુનું દાણચોરીનું સોનું જપ્ત કરતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટમાં ભારે ફફડાટ ફેલાયો છે. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પેસેન્જરોના પ્રોફાઇલ ડેટાના આધારે શંકાસ્પદ મુસાફરો પર સતત નજર રાખવામાં આવે છે, જેના કારણે કેરિયર તરીકે ઉપયોગમાં લેવાતા મુસાફરો ઘણીવાર ઝડપાઈ જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મહિલાઓ સહિત વિવિધ કેરિયરો મારફતે ગોલ્ડની દાણચોરીના પ્રયાસો હજુ પણ થઈ રહ્યા છે. મોટાભાગના કેસોમાં જપ્ત કરાયેલું સોનું કસ્ટમના નિયમો મુજબ કેન્દ્ર સરકારના હસ્તક જમા કરવામાં આવે છે, જ્યારે માત્ર 15થી 20 ટકા કેસોમાં જ પેસેન્જરો ડ્યુટી, દંડ અને પેનલ્ટી ભરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરે છે.

*કસ્ટમ અધિકારીઓને ધમકીભર્યા ફોન, છતાં કાર્યવાહી યથાવત; માફિયાઓની હરકતો પર તંત્રની નજર*

તાજેતરમાં ડીઆરઆઈ, પુણે ઝોનલ ઓફિસના એક અધિકારીને દુબઈથી ધમકીભર્યો ફોન આવ્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં જપ્ત કરાયેલ સામાન છોડાવી આપવા દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. કસ્ટમના સૂત્રોનું કહેવું છે કે આવા પ્રકારના ધમકીભર્યા ફોન અન્ય એરપોર્ટના અધિકારીઓને પણ આવતા રહે છે, જોકે તમામ કેસોમાં ફરિયાદ નોંધાય તે જરૂરી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ એરપોર્ટ પર કયા અધિકારી કઈ શિફ્ટમાં ફરજ બજાવે છે તેની પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે અને વિવિધ માધ્યમોથી દબાણ ઊભું કરવાની કોશિશ કરે છે. જોકે કસ્ટમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમામ કાર્યવાહી કસ્ટમ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ જ કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારની ધમકીથી અધિકારીઓ પ્રભાવિત થતા નથી.

ભૂતકાળમાં એરપોર્ટના કેટલાક ગ્રાઉન્ડ સ્ટાફની સંડોવણી સામે આવ્યા બાદ કસ્ટમ અને ડીઆરઆઈએ કાર્યવાહી કરીને તેમની ધરપકડ પણ કરી હતી. હાલ એરપોર્ટ પર ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે જેથી ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગના પ્રયાસોને સમયસર નિષ્ફળ બનાવી શકાય.

Most Popular

To Top