Entertainment

બાન્દ્રામાં સલમાન ખાનનો 2015માં ખરીદેલો ફલેટ 3.5 કરોડમાં વેચાયો, ખરીદદારે ચૂકવી 21 લાખ સ્ટેમ્પ ડ્યૂટી

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને મુંબઈના બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં આવેલી પોતાની એક રહેણાંક પ્રોપર્ટી વેચી દીધી છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ આ ફ્લેટનો સોદો રૂ. 3.5 કરોડમાં થયો છે. આ વેચાણનું સત્તાવાર રજિસ્ટ્રેશન 9 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, સલમાન ખાને વર્ષ 2015માં આ ફ્લેટ રૂ. 2.88 કરોડમાં ખરીદ્યો હતો. લગભગ 11 વર્ષ બાદ આ મિલકત વેચતા તેમને નોંધપાત્ર નફો થયો હોવાનું માનવામાં આવે છે. આ સોદો મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

બાન્દ્રા વેસ્ટના પ્રાઇમ વિસ્તારમાં આવેલા આ ફ્લેટનો કાર્પેટ એરિયા 758 ચોરસ ફૂટ છે. ફ્લેટ સાથે બે કાર પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. આ પ્રોપર્ટી મુનિરા અકબરઅલી દાંડાવાલા અને દાંડાવાલા પરિવારના અન્ય બે સભ્યોએ સંયુક્ત રીતે ખરીદી છે. આ સોદાના આધારે બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં પ્રોપર્ટીનો દર અંદાજે રૂ. 46,000 પ્રતિ ચોરસ ફૂટ હોવાનું સામે આવ્યું છે. ખરીદદારો દ્વારા આ સોદા માટે આશરે રૂ. 21 લાખ સ્ટેમ્પ ડ્યૂટી અને રૂ. 30 હજાર રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવામાં આવી છે. જોકે, ફ્લેટના વેચાણ અંગે સલમાન ખાન અથવા નવા ખરીદદારો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેથી વેચાણ પાછળનું કારણ પણ સામે આવ્યું નથી.

સલમાન ખાન હાલમાં પોતાના માતા-પિતા સાથે બાન્દ્રા પશ્ચિમના પ્રખ્યાત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. વર્ષોથી તેમનું આ નિવાસસ્થાન તેમના ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં ઈદ અને જન્મદિવસ જેવા પ્રસંગોએ મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થાય છે. ઉલ્લેખનીય છે કે બાન્દ્રા વિસ્તાર મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત રહેણાંક વિસ્તારોમાંનો એક છે. અહીં સલમાન ખાન ઉપરાંત શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા અનેક મોટા ફિલ્મી કલાકારો પણ રહે છે. પ્રાઇમ લોકેશન અને આધુનિક સુવિધાઓને કારણે અહીંની પ્રોપર્ટીની કિંમતો સતત ઊંચી રહે છે. મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોથી સેલિબ્રિટીઓ દ્વારા પ્રોપર્ટી ખરીદ-વેચાણના અનેક સોદા સામે આવી રહ્યા છે. સલમાન ખાનનો આ સોદો પણ તેમાંથી એક મહત્વપૂર્ણ સોદા તરીકે જોવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top