National

ભારત-નેપાળ બોર્ડર પર શંકાસ્પદ અમેરિકી નાગરિકની ધરપકડ, તપાસમાં ચોંકાવનારી વસ્તુઓ મળી આવી

ભારત-નેપાળ સરહદેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શનિવારે ભારત-નેપાળ બોર્ડર પર SSB દ્વારા એક અમેરિકી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કોઈ પણ માન્ય દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ ધરપકડ બાદ દેશની અનેક કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને તેની સઘન પૂછપરછ કરી રહી છે. જો કે, સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ દેશવિરોધી કે શંકાસ્પદ કનેક્શન હોવાના પુરાવા મળ્યા નથી.

કોણ છે આ નાગરિક અને તેની ટાઈમલાઈન?

પકડાયેલા વ્યક્તિની ઓળખ 36 વર્ષીય જોર્ડન બ્રાઉનતરીકે થઈ છે, જે અમેરિકાના કેલિફોર્નિયાનો રહેવાસી હોવાનો દાવો કરે છે. જોર્ડનના જણાવ્યા અનુસાર, તે ટૂરિસ્ટ વીઝા પર થાઈલેન્ડ ગયો હતો, જ્યાં તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. ત્યારબાદ તે દરિયાઈ માર્ગે શ્રીલંકા પહોંચ્યો હતો અને નવેમ્બર 2025માં દરિયાઈ રસ્તે જ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. ભારતમાં આવ્યા બાદ તે અત્યાર સુધી ગોવામાં રહી રહ્યો હતો. ત્યારપછી તે નેપાળ જવા રવાના થયો હતો.

ધરપકડ કેવી રીતે થઈ?

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં આવેલા સોનૌલી પોલીસ સ્ટેશનની હદમાં, મેનિહવા વિસ્તાર નજીક ભારત-નેપાળ બોર્ડર પીલર નંબર 51 પાસે SSBની નિયમિત પેટ્રોલિંગ ટીમ તૈનાત હતી. તપાસ દરમિયાન સત્તાવાળાઓએ જણાવ્યું કે જોર્ડન બ્રાઉન બેંગલુરુથી મુસાફરી કરીને સોનૌલી બોર્ડર પહોંચ્યો હતો. જ્યારે SSBના જવાનોએ તેને વેરિફિકેશન માટે રોક્યો, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાનોએ પીછો કરીને તેને ઝડપી લીધો હતો. નોંધનીય છે કે સોનૌલી બોર્ડર ભારત અને નેપાળ વચ્ચેનો સૌથી વ્યસ્ત લેન્ડ ક્રોસિંગ રૂટ છે, જે યુપીના મહારાજગંજને નેપાળના રુપાંદેહી જિલ્લા સાથે જોડે છે.

તેની પાસેથી શું-શું મળી આવ્યું?

જોર્ડનની તલાશી લેતા તેની પાસેથી શંકાસ્પદ અને ચોંકાવનારી વસ્તુઓ મળી આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, તેની પાસેથી બે મોબાઈલ ફોન, 31,460ની નેપાળી ચલણ, ધાર્મિક પુસ્તકો, એક AI ટ્રાન્સલેટર ડિવાઈસ, એક ચાઈનીઝ પાસપોર્ટ, ડાયરી અને કાંડા ઘડિયાળ મળી આવ્યા છે. ચાઈનીઝ પાસપોર્ટ અને ટ્રાન્સલેટર મળવાના કારણે તપાસ વધુ ઊંડી કરાઈ છે.

કાયદાકીય કાર્યવાહી અને પોલીસનું નિવેદન

મહારાજગંજના ASP સિદ્ધાર્થે મીડિયાને જણાવ્યું કે, “જોર્ડન બ્રાઉન પાસે કોઈ માન્ય પ્રવાસ દસ્તાવેજો નહોતા. તેના તમામ દાવાઓ, તેની ઓળખ, જૂની ટ્રાવેલ હિસ્ટ્રી અને તે કયા સંજોગોમાં ભારતમાં આવ્યો તેની એજન્સીઓ દ્વારા સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવી રહી છે.”

આ મામલે સોનૌલી પોલીસ સ્ટેશનમાં જોર્ડન બ્રાઉન વિરુદ્ધ ઈમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટની કલમ 21 અને 23 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top