India

ચોમાસુ સત્ર પહેલા મમતા બેનર્જીને મોટો ઝટકો: TMC ના 20 બાગી સાંસદોને સંસદમાં અલગ બેઠક અને ઓફિસ મળશે

સંસદના આગામી ચોમાસુ સત્રની શરૂઆત પહેલા દેશના રાજકારણમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. આગામી 20 જુલાઈથી શરૂ થઈ રહેલા આ સત્ર પહેલા TMCના બાગી સાંસદોએ એક મોટો દાવો કર્યો છે. બાગી સાંસદોની આગેવાની કરી રહેલા કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું છે કે, તેમને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તરફથી ખાતરી મળી છે કે બાગી સાંસદોને લોકસભામાં બેસવા માટે નવી બેઠકો ફાળવવામાં આવશે અને સાથે જ આ સાંસદોને એક અલગ ઓફિસ પણ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ સાંસદો ગયા મહિને જ NCPIમાં જોડાઈ ચૂક્યા છે. હવે સંસદનું સત્ર શરૂ થવાના બરાબર પહેલા 19 જુલાઈના રોજ યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં NCPIના 2 પ્રતિનિધિઓને સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણને સંસદમાં આ નવા જૂથને અનૌપચારિક માન્યતા મળવા સમાન જોવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં મોટો વધારો કરી શકે છે.

કાકોલી ઘોષનો મોટો દાવો: લોકસભા સ્પીકર સાથે મુલાકાત

બારાસાત વિસ્તારના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે, “અમે લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી હતી. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે અમને સંસદમાં એક નવી ઓફિસ મળશે અને તેઓ અમારા માટે નવી બેઠકો ફાળવશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારા 2 પ્રતિનિધિઓ 19 જુલાઈ ની સર્વપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. આ પહેલા બાગી સાંસદોના જૂથના સુદીપ બંદોપાધ્યાય અને કાકોલી ઘોષે સોમવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરીને નીચલા ગૃહમાં પક્ષના 20 સાંસદોના બેસવાની વ્યવસ્થા અને નવી સંસદ ભવનમાં ઓફિસ ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

અયોગ્ય ઠેરવવાની અરજી

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે બાગી સાંસદોની આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે પક્ષ છોડીને NCPI માં જોડાયેલા તમામ 20 સાંસદોને અયોગ્ય ઠેરવવાની માંગ કરતી અરજીઓ દાખલ કરી છે. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ ઓમ બિરલા સાથે મુલાકાત કરીને બંધારણની 10મી અનુસૂચિ હેઠળ બાગી 20 સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરતી 20 અલગ-અલગ અરજીઓ સોંપી હતી. બેનર્જીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, બીજા પક્ષમાં જોડાઈને આ સાંસદોએ સ્વેચ્છાએ તૃણમૂલ કોંગ્રેસનું સભ્યપદ છોડી દીધું છે, તેથી તેમને અયોગ્ય ઠેરવવા જોઈએ. તેમણે સ્પીકરને એવી પણ વિનંતી કરી છે કે પક્ષના અલગ જૂથ હોવાનો દાવો કરનારા કોઈપણ સમૂહને કોઈ માન્યતા, દરજ્જો કે સુવિધા આપવામાં ન આવે.

ચોમાસુ સત્ર પહેલા જ આવી શકે છે અંતિમ નિર્ણય

અહેવાલો અનુસાર, સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા જ NCPI ના વિલયને સત્તાવાર માન્યતા મળી શકે છે. લોકસભાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “સ્પીકર ટૂંક સમયમાં જ UBTના બાગી સાંસદો સાથે જોડાયેલા મામલાઓ પર અંતિમ નિર્ણય લેશે. નિર્ણય લેવાયા બાદ તેની સત્તાવાર નોટિફિકેશન જારી કરી દેવામાં આવશે.” નોંધનીય છે કે મમતા બેનર્જીની TMC ના 20 સાંસદોની બગાવત બાદ મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 9 માંથી 6 લોકસભા સાંસદો શિવસેનામાં જોડાઈ ગયા હતા, જેના પર પણ નિર્ણય આવવાનો બાકી છે.

Most Popular

To Top