વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી NASA અને રશિયાની રોસ્કોસ્મોસએ સાથે મળીને અંતરીક્ષ વિજ્ઞાનના ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાસાના ભારતીય મૂળના પ્રતિભાશાળી અંતરીક્ષ યાત્રી અનિલ મેનન અને રશિયાના બે વિજ્ઞાનીઓ મંગળવારે કઝાકિસ્તાનથી રવાના થઈ ચૂક્યા છે. તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ખાતે આગામી 8 મહિના ના અત્યંત મહત્વપૂર્ણ રિસર્ચ મિશનને અંજામ આપશે.
રાત્રે 8:17 વાગ્યે સોયુઝ સ્પેસક્રાફ્ટે ભરી ઉડાન
કઝાકિસ્તાન સ્થિત ઐતિહાસિક સ્પેસપોર્ટ પરથી આ મિશનનો ભવ્ય પ્રારંભ થયો હતો. અનિલ મેનન, પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિનાને લઈને ‘સોયુઝ એમએસ-29’ સ્પેસક્રાફ્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 8:17 વાગ્યે બૈકોનુર કોસ્મોડ્રોમથી અંતરીક્ષ તરફ રવાના થયું હતું. પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ આ સ્પેસક્રાફ્ટ માત્ર 3 કલાક ના ટૂંકા સમયમાં પૃથ્વીના 2 ચક્કર લગાવીને સીધું સ્પેસ સ્ટેશન સુધી પહોંચી જશે. અંતરીક્ષ વિજ્ઞાનની અદભુત ટેક્નોલોજીના પ્રદર્શન સમાન, આ યાન ભારતીય સમય અનુસાર રાત્રે 11:56 વાગ્યે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર ઓટોમેટીક રીતે સ્પેસ સ્ટેશનના પ્રિચાલ મોડ્યુલ સાથે કનેક્ટ થઈ જશે.
સ્પેસ સ્ટેશન પર થશે મહામેળાપ
અનિલ મેનન અને તેમની ટીમ સ્પેસ સ્ટેશન પહોંચતાની સાથે જ ત્યાં પહેલાથી હાજર વિવિધ દેશોના સંશોધકોની ટીમ સાથે જોડાઈ જશે. તેઓ ત્યાં નાસાના અનુભવી વૈજ્ઞાનિકો જેસિકા મીર, જેક હેથવે અને ક્રિસ વિલિયમ્સ સાથે મુલાકાત કરશે. યુરોપિયન સ્પેસ એજન્સીના સોફી એડેનોટ તેમજ રશિયાના સ્પેસ હીરો સર્ગેઈ કુદ-સ્વેર્ચકોવ, સર્ગેઈ મિકાએવ અને આન્દ્રેઈ ફેદ્યાયેવ સાથે મળીને પૃથ્વીના કલ્યાણ અને ભવિષ્યના સ્પેસ મિશન માટે સંયુક્ત પ્રયોગો હાથ ધરશે.