Sports

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડમાં લખ્યો ઈતિહાસ, 150 ODI વિકેટ સાથે ODIમાં સૌથી સફળ ભારતીય બોલર બન્યો, તોડ્યો જાડેજાનો મોટો રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરનાર બુમરાહે માત્ર ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકની મહત્વની વિકેટ જ ઝડપી નહીં, પરંતુ એક એવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો, જે આજ સુધી કોઈ ભારતીય બોલર કરી શક્યો નહોતો. ઈંગ્લેન્ડની ઇનિંગ્સની 14મી ઓવરના પ્રથમ બોલ પર બુમરાહે પોતાની ચતુરાઈભરી ધીમી બોલથી હેરી બ્રુકને ફસાવ્યો. બોલ વધારાના ઉછાળા સાથે બેટનો કિનારો લઈને પ્રથમ સ્લિપમાં ઉભેલા રોહિત શર્માના હાથમાં ગયો અને બ્રુક માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

આ વિકેટ સાથે જ બુમરાહે બે મોટી સિદ્ધિઓ એકસાથે મેળવી. પ્રથમ, આ તેની વન-ડે કારકિર્દીની 150મી વિકેટ બની. બીજી અને સૌથી મોટી સિદ્ધિ એ રહી કે તે હવે ઈંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ ODI વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે હતો, જેમણે ઈંગ્લેન્ડમાં 30 વન-ડે વિકેટ ઝડપી હતી. બુમરાહે બ્રુકની વિકેટ સાથે 31મી વિકેટ મેળવીને જાડેજાને પાછળ છોડી દીધા. ઈંગ્લેન્ડમાં ભારત તરફથી સૌથી વધુ ODI વિકેટ લેનારા બોલરોની યાદીમાં હવે જસપ્રીત બુમરાહ ટોચ પર છે. તેમના પછી રવિન્દ્ર જાડેજા (30), ભુવનેશ્વર કુમાર (28), મદન લાલ (27) અને મોહમ્મદ શમી (26)નો સમાવેશ થાય છે.

બુમરાહ માટે આ મેચ બીજી એક ખાસ સિદ્ધિ પણ લઈને આવી. તેણે માત્ર 4,605 બોલમાં પોતાની 150મી ODI વિકેટ પૂર્ણ કરી. ભારત તરફથી સૌથી ઓછા બોલમાં 150 વિકેટ સુધી પહોંચનારા બોલરોની યાદીમાં તે હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં પ્રથમ સ્થાન મોહમ્મદ શમીનું છે, જેમણે માત્ર 4,070 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. બીજા ક્રમે કુલદીપ યાદવ છે, જેમણે 4,513 બોલમાં 150 વિકેટ પૂરી કરી હતી. ત્યારબાદ જસપ્રીત બુમરાહ 4,605 બોલ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી અજીત અગરકર (5,027 બોલ) અને ઇરફાન પઠાણ (5,131 બોલ) આવે છે. વન-ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હજુ પણ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 269 મેચમાં કુલ 334 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતીય ફાસ્ટ બોલરોમાં જવાગલ શ્રીનાથ સૌથી આગળ છે. શ્રીનાથે પોતાની કારકિર્દીમાં 229 વન-ડે મેચમાં 315 વિકેટ લીધી હતી.

ભારત માટે વન-ડેમાં 150થી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં અનિલ કુંબલે (334), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (269), હરભજન સિંહ (265), કપિલ દેવ (253), રવિન્દ્ર જાડેજા (232), મોહમ્મદ શમી (206), વેંકટેશ પ્રસાદ (196), કુલદીપ યાદવ (194), ઇરફાન પઠાણ (173), મનોજ પ્રભાકર (157), આર. અશ્વિન (156), આશિષ નેહરા (155), સચિન તેંડુલકર (154) અને હવે જસપ્રીત બુમરાહનું નામ પણ વધુ મજબૂતીથી નોંધાઈ ગયું છે. લગભગ ત્રણ વર્ષ બાદ વન-ડે ટીમમાં પરત ફરેલા બુમરાહે પોતાની પ્રથમ જ મેચમાં સાબિત કરી દીધું કે તે હજુ પણ ભારતના સૌથી વિશ્વસનીય અને ખતરનાક બોલરોમાંનો એક છે. તેની શાનદાર વાપસીથી ભારતીય ટીમને પણ મોટી મજબૂતી મળી છે.

Most Popular

To Top