National

સગીર પર બળાત્કાર કેસના દોષિત આસારામે ફરી કોર્ટમાં જામીન અરજી માગી રાહત, સુપ્રીમ કોર્ટ 17 જુલાઈએ કરશે સુનાવણી

સગીર પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 90 વર્ષીય આસારામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં તબીબી કારણોસર જામીન મેળવવા અરજી કરી છે. તેમની અરજી પર સુપ્રીમ કોર્ટ 17 જુલાઈએ સુનાવણી કરશે. હાલ કોર્ટે માત્ર સુનાવણી માટે તારીખ નક્કી કરી છે, જ્યારે જામીન આપવા અંગેનો અંતિમ નિર્ણય સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ લેવામાં આવશે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આસારામ તરફથી વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડુએ અરજી રજૂ કરી હતી. તેમણે જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચ સમક્ષ જણાવ્યું કે 8 જુલાઈના રોજ આસારામને અચાનક આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. ત્યારબાદ તેમની ગંભીર હાલતમાં જોધપુર AIIMSમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

વકીલે કોર્ટને જણાવ્યું કે ડોક્ટરોએ આસારામને હાઈ-રિસ્ક દર્દી જાહેર કર્યા છે અને તેમને લોહી ચઢાવવાની પણ જરૂર પડી હતી. તેમની ઉંમર અને ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સુનાવણી કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ દલીલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી માટે 17 જુલાઈની તારીખ નક્કી કરી છે. આસારામ અગાઉ પણ સ્વાસ્થ્યના આધારે અસ્થાયી રાહત મેળવી ચૂક્યા છે. સારવાર માટે તેમને સમયાંતરે તબીબી જામીન અથવા પેરોલ આપવામાં આવ્યા હતા. જોકે, સારવાર પૂર્ણ થયા બાદ તેમને ફરી જેલમાં પરત મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી તેમની સજા અથવા દોષિત ઠરાવવાના નિર્ણય પર કોઈ રોક લગાવવામાં આવી નથી.

આ કેસ વર્ષ 2013નો છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીર વિદ્યાર્થિનીએ આસારામ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ મુજબ, તે મધ્યપ્રદેશના છિંદવાડા સ્થિત આસારામના આશ્રમમાં અભ્યાસ કરતી હતી. આધ્યાત્મિક ઉપચારના બહાને તેને જોધપુર નજીક આવેલા મનાઈ ગામના આશ્રમમાં બોલાવવામાં આવી હતી, જ્યાં 15 ઓગસ્ટ 2013ની રાત્રે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. પીડિતાના માતા-પિતાએ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તપાસ રાજસ્થાન પોલીસને સોંપવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે 31 ઓગસ્ટ 2013ના રોજ ઇન્દોર સ્થિત આશ્રમમાંથી આસારામની ધરપકડ કરી હતી.

લાંબી સુનાવણી બાદ 25 એપ્રિલ 2018ના રોજ જોધપુર કોર્ટે આસારામને સગીર પર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમના વિરુદ્ધ POCSO કાયદા તેમજ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આસારામે આ ચુકાદાને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મે 2026માં રાજસ્થાન હાઈકોર્ટે તેમની બળાત્કાર સંબંધિત સજાને યથાવત રાખી હતી. જોકે, કેટલાક અન્ય આરોપોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જૂન 2026માં આસારામે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાલમાં આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમની તાજેતરની અરજીમાં વધતી ઉંમર, હૃદય સંબંધિત તકલીફો અને આંતરિક રક્તસ્ત્રાવ જેવા ગંભીર આરોગ્ય કારણો દર્શાવીને જામીનની માંગ કરવામાં આવી છે. હવે 17 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણીમાં આસારામના સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો, સરકારનો પક્ષ અને અન્ય કાનૂની મુદ્દાઓના આધારે કોર્ટ નિર્ણય કરશે કે તેમને તબીબી કારણોસર જામીન આપવાના કે નહીં.

Most Popular

To Top