National

તહેવારોમાં મનસ્વી હવાઈ ભાડા પર હવે લાગશે લગામ? સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને 2 અઠવાડિયાનો અલ્ટિમેટમ

દેશમાં તહેવારો, વેકેશન અને ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓ દરમિયાન હવાઈ ભાડામાં થતા ભારે વધારા સામે હવે કેન્દ્ર સરકાર નિયમન લાવવાની તૈયારીમાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આગામી બે અઠવાડિયામાં હવાઈ ભાડા નિયંત્રિત કરવા માટે તૈયાર કરાયેલા નિયમોની નકલ કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી પ્રગતિ અંગે માહિતી માંગી હતી. સરકાર તરફથી જણાવાયું કે હવાઈ ભાડા નિયંત્રણ માટેના નવા નિયમો તૈયાર થઈ ગયા છે અને આગામી 30 દિવસમાં તેમને સંસદમાં રજૂ કરવામાં આવશે. જોકે, કોર્ટે સ્પષ્ટ કહ્યું કે નિયમો સંસદમાં ક્યારે રજૂ થાય તે અલગ બાબત છે, પરંતુ તેની નકલ આગામી બે અઠવાડિયામાં સીલબંધ કવરમાં કોર્ટમાં જમા કરાવવી જ પડશે. હવે આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે.

આ સમગ્ર મામલો સામાજિક કાર્યકર એસ. લક્ષ્મીનારાયણ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી બાદ સામે આવ્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે વિવિધ એરલાઇન્સ એક જ રૂટ માટે અલગ-અલગ અને ઘણી વખત ખૂબ ઊંચું ભાડું વસૂલે છે. ખાસ કરીને તહેવારો, લાંબા વીકએન્ડ અને કુદરતી આફતો જેવી પરિસ્થિતિઓમાં હવાઈ ભાડું સામાન્ય દિવસોની સરખામણીએ 200થી 300 ટકા સુધી વધી જાય છે. અરજદારે માંગ કરી હતી કે દેશમાં એક સ્વતંત્ર અને મજબૂત રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવામાં આવે, જે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા ભાડા અને વધારાના ચાર્જ પર નજર રાખે અને મનસ્વી ભાવવધારો રોકે. 15 મેની સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે કેટલીક ફ્લાઇટના ભાડામાં 300 ટકા સુધીનો વધારો થઈ જાય છે. તેના જવાબમાં બેન્ચે હળવી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “વકીલોની ફી પણ ઘણીવાર 400 ટકા સુધી વધી જાય છે, હવે શું કરવું?” જોકે કોર્ટે આ મુદ્દાને ગંભીર ગણાવી આગળની કાર્યવાહી ચાલુ રાખી હતી.

આ પહેલાં 30 એપ્રિલે પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અગાઉ માંગવામાં આવેલી એફિડેવિટ સમયસર દાખલ કરવામાં આવી નહોતી. ત્યારબાદ સરકારે વિલંબનું કારણ દર્શાવતી અરજી અને એફિડેવિટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. હવાઈ ભાડાની મનમાની અંગે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ અનેક વખત ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. 23 ફેબ્રુઆરી 2026ની સુનાવણી દરમિયાન કોર્ટે ખાસ કરીને તહેવારો અને ઇમરજન્સી દરમિયાન વધતા એરફેરને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તે સમયે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ મુદ્દે નીતિ તૈયાર કરી રહ્યું છે. આ પહેલાં 17 નવેમ્બર 2025ના રોજ પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA)ને નોટિસ પાઠવીને હવાઈ ભાડામાં થતા અચાનક વધારા અંગે જવાબ માંગ્યો હતો.

એરલાઇન્સ કંપનીઓનું કહેવું છે કે હવાઈ ભાડા વધવા પાછળનું સૌથી મોટું કારણ જેટ ફ્યુઅલની વધતી કિંમત છે. એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં જેટ ફ્યુઅલનો હિસ્સો લગભગ 30થી 40 ટકા જેટલો હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા જેટ ફ્યુઅલ મોંઘું બને છે, જેના કારણે એરલાઇન્સ ટિકિટના ભાડામાં વધારો કરતી હોવાનું કંપનીઓનું કહેવું છે. પરંતુ મુસાફરોનું કહેવું છે કે તહેવારો અથવા વધતી માંગના બહાને ઘણી એરલાઇન્સ અતિશય ભાડું વસૂલે છે, જેના કારણે સામાન્ય લોકો માટે હવાઈ મુસાફરી મોંઘી બની જાય છે. જો સરકાર નવા નિયમો અમલમાં લાવશે તો ભાડામાં વધુ પારદર્શિતા આવશે અને મનસ્વી ભાવવધારા પર નિયંત્રણ આવી શકે છે. હવે સૌની મીટ 3 ઓગસ્ટે થનારી સુનાવણી અને કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાનારા નવા નિયમો પર મંડાઈ છે. જો આ નિયમો અમલમાં આવશે તો ભવિષ્યમાં મુસાફરોને તહેવારો અને વ્યસ્ત સિઝનમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top