પશ્ચિમ એશિયાના દરિયાઈ વિસ્તારમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ભારતીય પરિવારો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. ઓમાનના કિનારે હોર્મુઝની સામુદ્રધુનીમાં સાયપ્રસનો ધ્વજ ધરાવતા વેપારી જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલામાં પુણેના 30 વર્ષીય ભારતીય મરીન એન્જિનિયર હેરંબ કરમારકરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.
છેલ્લો મેસેજ: “આપણે સુરક્ષિત ખાડી પાર કરી લીધી છે”
પરિવારજનોના જણાવ્યા અનુસાર, હેરંબના કરુણ મોતની થોડી ક્ષણો પહેલાંની સ્થિતિ અત્યંત હૃદયદ્રાવક હતી. હેરંબને લાગ્યું હતું કે તેમનું જહાજ જોખમી વિસ્તારમાંથી બહાર નીકળી ગયું છે. તેણે મૃત્યુના થોડા સમય પહેલાં જ પોતાના પરિવારને મેસેજ કર્યો હતો કે, “આપણે સુરક્ષિત રીતે ગલ્ફ પાર કરી લીધી છે.” પરિવાર સાથેનો આ મેસેજ તેનો છેલ્લો સંવાદ સાબિત થયો, કારણ કે તેના તુરંત બાદ જહાજ પર ભીષણ હુમલો થયો હતો.
‘GFX ગેલેક્સી‘ જહાજ પર ઈરાની સેનાનો હુમલો
આ ઘટના રવિવારે ઓમાનના દરિયાકાંઠા નજીક બની હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, સાયપ્રસ ફ્લેગ ધરાવતા કન્ટેનર જહાજ ‘GFX ગેલેક્સી’ પર ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા ઘાતક પ્રહાર કરવામાં આવ્યો હતા. આ હુમલા બાદ જહાજ પર સવાર ભારતીય ક્રૂ મેમ્બર્સ ગુમ થઈ ગયા હતા. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે જહાજ પર સવાર ભારતીય નાગરિકોમાંથી 10 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે હેરંબ કરમારકર ગુમ હતો, જેનું હવે મોત થયાની પુષ્ટિ થઈ છે.
“અમને અમારા દીકરાનો મૃતદેહ અકબંધ પાછો લાવી આપો”
બુધવારે હેરંબના મોતના સમાચાર મળતા જ પુણેમાં રહેતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ન્યૂઝ એજન્સી IANS સાથે વાતચીત કરતી વખતે હેરંબના સસરા વિવેક ટંડને ભારે હૈયે ભારત સરકારને આજીજી કરી. “તે માત્ર 30 વર્ષનો એક યુવાન દીકરો હતો, કોઈ ઘરડો માણસ નહોતો. ભારત સરકારને અમારી માત્ર એક જ વિનંતી છે કે ગમે તે રીતે તેનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવે અને અમને સોંપવામાં આવે જેથી અમે તેના અંતિમ સંસ્કાર કરી શકીએ.”
ભારત સરકારની આકરી પ્રતિક્રિયા અને રેસ્ક્યૂ ઓપરેશન
વૈશ્વિક સ્તરે ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીમાં બનેલી આ ઘટના અંગે ભારતે આકરા વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે વેપારી જહાજો પર થઈ રહેલા આવા સતત હુમલાઓને “અત્યંત ચિંતાજનક” ગણાવીને તેની આકરી નિંદા કરી છે. ઓમાન ખાતેનું ભારતીય દૂતાવાસ ઓમાનના સત્તાવાળાઓ, જહાજની મેનેજમેન્ટ કંપની અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે સતત 24 કલાક સંપર્કમાં છે. ગુમ થયેલા લોકો માટે હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને પીડિતોને તમામ સંભવિત મદદ પૂરી પાડવામાં આવી રહી છે.