બાંગ્લાદેશના નિર્વાસિત લેખિકા અને માનવાધિકાર કાર્યકર્તા તસ્લીમા નસરિન લગભગ બે દાયકાના લાંબા સમયગાળા બાદ ફરી એકવાર કોલકાતા પરત ફરી રહ્યા છે. વર્ષ 2007 માં તેમના લખાણો સામે ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ તેમને પશ્ચિમ બંગાળ છોડવાની ફરજ પડી હતી. હવે વર્ષ 2026માં તેમની આ વાપસીએ બંગાળના રાજકારણમાં એક નવો ભીષણ રાજકીય સંગ્રામ છેડી દીધો છે.
1 ઓગસ્ટના રોજ રવીન્દ્ર સદન ખાતે ભવ્ય કાર્યક્રમ
63 વર્ષીય વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરિન ત્રણ અગ્રણી સંસ્થાઓના સંયુક્ત આમંત્રણ પર કોલકાતા આવી રહ્યા છે. આગામી 1 ઓગસ્ટ ના રોજ તેઓ કોલકાતાના ઐતિહાસિક ‘રવીન્દ્ર સદન’ ખાતે કટ્ટરવાદ વિરોધી એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેમનું નાગરિક સન્માન કરવામાં આવશે, ત્યારબાદ તેઓ પોતાની કવિતાઓનું પઠન કરશે અને એક ખુલ્લી ચર્ચામાં ભાગ લેશે. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, રાજ્યના નાણા મંત્રી સ્વપન દાસગુપ્તા અને જાણીતા સાહિત્યકાર શીર્ષેન્દુ મુખોપાધ્યાય પણ ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004 થી 2007 દરમિયાન કોલકાતામાં રહ્યા બાદ હાલ તસ્લીમા નસરિન લોંગ-ટર્મ રેસિડેન્સ પરમિટ પર દિલ્હીમાં વસવાટ કરે છે.
‘લજ્જા‘ અને ‘દ્વિખંડિતો‘ પર પ્રતિબંધનો ઇતિહાસ
તસ્લીમા નસરિન પર અગાઉની ડાબેરી (CPM) સરકારે ઇસ્લામ અને શરિયત વિરુદ્ધ લખવાના તથા ધાર્મિક લાગણીઓ દુભાવવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થયેલા અત્યાચારો પર આધારિત તેમની પ્રખ્યાત નવલકથા ‘લજ્જા‘ પર બાંગ્લાદેશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ તેમની આત્મકથા ‘દ્વિખંડિતો‘માં કથિત આરોપોસર તત્કાલીન ડાબેરી સરકારે બંગાળમાં પણ પુસ્તક પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને તેમને સુરક્ષા આપવાનો ઇનકાર કરીને બંગાળ માંથી બહાર કાઢી મૂક્યા હતા.
ભાજપ વિરુદ્ધ તૃણમૂલ અને આઈએસએફ
તસ્લીમાની વાપસીને લઈને બંગાળના રાજકીય પક્ષો આમને-સામને આવી ગયા છે. રાજ્ય ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય અને મંત્રી અગ્નિમિત્રા પૌલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, અગાઉની ડાબેરી અને તૃણમૂલ સરકારે માત્ર વોટબેંકની રાજનીતિ માટે તસ્લીમાનો અવાજ દબાવ્યો હતો અને લોકોને રાજકીય ટૂલ તરીકે વાપર્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની વર્તમાન સરકાર હેઠળ તેમની વાપસી બંગાળ માટે ગૌરવની વાત છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અખરુઝ્ઝમાને દાવો કર્યો છે કે તસ્લીમાએ હંમેશા મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નિવેદનો આપ્યા છે, તેથી જ આ ‘ડબલ એન્જિન સરકાર’ તેમનું સન્માન કરી રહી છે. જ્યારે ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના ધારાસભ્ય નૌશાદ સિદ્દીકીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર અન્નપૂર્ણા યોજના, સસ્તી વીજળી અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર નિષ્ફળ ગઈ છે, તેથી જ જનતાનું ધ્યાન ભટકાવવા માટે આ રાજકીય ચાલ ચાલી રહી છે.