Business

આમિરની ખાન દાની…છુ ડા પડયા પછી પણ હમ સાથ સાથ હૈ!

આમિરના જીવનમાં પહેલાં રીના દત્તા,
પછી કિરણ રાવ અને હવે ગૌરી સ્પ્રાટને આવી છે અને
ત્રણેયને પોતાના પરિવારનો હિસ્સો બનાવી લીધા છે

આપણને આમિર ખાનના ત્રીજા લગ્નના સમાચાર તો મળી જ ગયા છે. વેલ, લગ્નની આમિરે બોલિવૂડના તેના કેટલાક મિત્રો અને કેટલાક સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ પણ મેળવી અને કેટલાકને તેણે લગ્નમાં આમંત્રિત પણ કર્યા હતા. પરંતુ સૌથી વધારે નવાઈની વાત એ લાગી કે આમિરના લગ્નમાં ફક્ત તેનો આખો પરિવાર જ નહીં, તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ પણ હાજર હતી. સાંભળીને થોડું આશ્ચર્ય થયું ને! પોતાના ભૂતપૂર્વ પતિના લગ્નમાં જવું અને તે પણ ખુશીથી… ડિવોર્સ બાદ પણ પરિવાર સાથે એટલા જ પ્રેમથી જોડાયેલા રહેવું એ ખરેખર સુખદ આશ્ચર્ય છે!


આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ રિલીઝ થઈ તે પહેલાં, 1986માં તેના રીના દત્તા સાથે લગ્ન થઈ ગયા હતા. આ દંપતીને જુનૈદ ખાન અને ઈરા ખાન એમ બે સંતાનો છે. 2001માં ફિલ્મ ‘લગાન’ રિલીઝ થઈ અને એ જ વર્ષે આમિર તથા રીનાના ડિવોર્સ થયા. આ સાથે જ તેમના 16 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો. ત્યાં સુધી કિરણ રાવ આમિરના જીવનમાં ‘લગાન’ના યુનિટના સભ્ય તરીકે હતી; બંને મિત્રો પણ બન્યા નહોતા. આ વિશે આમિરે કહ્યું હતું, ‘જ્યારે મારા ડિવોર્સ પછી તેણે મને સાંત્વના આપવા ફોન કર્યો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં તેની સાથે લગભગ અડધો કલાક વાત કરી હતી અને એ દરમિયાન હું ખુશ પણ હતો.’
આ રીતે આમિર અને કિરણનો સંબંધ શરૂ થયો અને 2005માં તેમણે લગ્ન કર્યા. ‘ધોબી ઘાટ’ અને ‘લાપતા લેડીઝ’ જેવી સફળ ફિલ્મો બનાવનાર કિરણ તેના અને આમિરની ભૂતપૂર્વ પત્ની રીના વચ્ચેના સંબંધો વિશે જણાવે છે, ‘જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે રીના આ પરિવારનો હિસ્સો હતી. આમિરની માતા ઝીનત હુસૈન સાથે મને ઘણું બનતું હતું અને હું પોતાને નસીબદાર માનું છું કે મને આ પરિવાર સાથે જોડાવાની તક મળી. હું અને રીના ઘણા સારા મિત્રો બની ગયા. હું ખરેખર રીનાને પસંદ કરવા લાગી.’
આમ, રીના આમિરની ભૂતપૂર્વ પત્ની હોવા છતાં કિરણ અને તેની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બાળકોની વાત આવે ત્યારે પણ રીના અને આમિર માતા-પિતા તરીકે હંમેશાં તેમના બાળકોની પડખે સાથે ઊભા રહ્યા છે. જોકે, 2021માં આમિર અને કિરણના પણ ડિવોર્સ થઈ ગયા અને બંનેએ તેમના પુત્ર આઝાદ રાવ ખાન માટે કો-પેરેન્ટ બની રહેવાનું નક્કી કર્યું. ડિવોર્સ પછી પણ આમિરે કિરણની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ તેમના કો-પ્રોડક્શન દ્વારા રિલીઝ કરી હતી. આમ, આમિરે રીના હોય કે કિરણ, બંને માટે હંમેશાં આદર વ્યક્ત કર્યો છે અને બંનેને સહકાર પણ આપ્યો છે. આ વિશે આમિરે જણાવ્યું હતું, ‘મને રીના અને કિરણ બંને માટે ઘણો પ્રેમ અને આદર છે. અમે હંમેશાં એક પરિવાર તરીકે જ રહીશું. અમે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, તો પણ અઠવાડિયામાં એક વાર બધા ભેગા થઈએ જ છીએ. અમને એકબીજા માટે પ્રેમ અને આદર છે અને એકબીજાની કાળજી રાખીએ છીએ.’
આમ, ફક્ત રીના અને કિરણ વચ્ચે જ નહીં, પરંતુ આમિર અને તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ વચ્ચે પણ સ્વસ્થ અને પ્રેમાળ સંબંધો છે. આટલું જ નહીં, આમિર બંનેના વખાણ કરતાં કહે છે, ‘કિરણ અને રીના બંને મજબૂત સ્ત્રીઓ છે. મને સ્ટ્રોંગ વીમેન ગમે છે.’ ડિવોર્સ લીધા પછી પણ આમિર અને કિરણે તેમની પ્રોફેશનલ પાર્ટનરશિપ ‘પાણી ફાઉન્ડેશન’ ચાલુ રાખી છે અને તેઓ એકબીજાના પ્રોજેક્ટ્સ માટે પણ ઘણા ઉત્સાહી રહે છે. તેમનું માનવું છે કે લગ્નના 15 વર્ષ તેમના માટે ઉષ્માભર્યા અને આદરથી ભરપૂર રહ્યા હતા. તેમને ઘણી સારી યાદો અને નવા અનુભવો મળ્યા હતા. પરંતુ હવે તેઓ પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ એકબીજાના સાથી અને એક પરિવાર તરીકે રહેવા માગે છે. જીવનના આ નવા અધ્યાયમાં તેઓ માતા-પિતા તરીકે હંમેશાં બાળકો માટે હાજર રહેશે અને આ નિર્ણયમાં તેમનો પરિવાર પણ તેમની પડખે રહ્યો છે.
હવે વાત કરીએ આમિરના બાળકો અને તેના પરિવારની. તેમણે આમિરના જીવનમાં પહેલાં રીના દત્તા, પછી કિરણ રાવ અને હવે ગૌરી સ્પ્રાટને આવતા જોયા છે અને ત્રણેયને પોતાના પરિવારનો હિસ્સો બનાવી લીધા છે. આ વિશે તેનો પુત્ર જુનૈદ કહે છે, ‘જ્યારે મારા માતા-પિતાના ડિવોર્સ થયા હતા ત્યારે હું ફક્ત 9 વર્ષનો હતો, એટલે મને બહુ ફરક પડ્યો નહોતો. પરંતુ મોટાભાગે જ્યારે અમારી, એટલે કે બાળકોની વાત આવે ત્યારે તેઓ બંને એક જ હોય છે. અમે ક્યારેય તેમને એકબીજા વિશે ખરાબ કે ખોટું બોલતા જોયા નથી. અમુક ઉંમર પછી અમે બાળકો સમજી ગયા હતા કે બે દુઃખી વ્યક્તિઓને સાથે રાખવા કરતાં તેઓ અલગ રહીને ખુશ રહે તે વધારે સારું છે. મને કિરણ આન્ટી સાથે પણ ઘણું ફાવે છે. તેઓ પ્રેમાળ અને ઉષ્માભર્યા છે. તેમને પરિવારમાં સ્વીકારવાનું અમને જરા પણ અઘરું લાગ્યું નહોતું. આજે ભલે તેમના ડિવોર્સ થઈ ગયા છે, પરંતુ તેઓ અમારા પરિવારનો હિસ્સો બની રહ્યા છે. ગૌરી પણ મજાની વ્યક્તિ છે. હું તેમના માટે ખુશ છું. અમારી વચ્ચે એટલી દોસ્તી છે કે હું તેમને નામથી જ બોલાવી શકું છું. કિરણ આન્ટીને પણ હું શરૂઆતમાં ‘આન્ટી’ કહીને જ બોલાવતો હતો, પણ જ્યારે અમે 16-17 વર્ષના થયા ત્યારે તેમણે અમને તેમના નામથી બોલાવવા કહ્યું. આમ તેઓ બંને ઘણા ફ્રેન્ડલી છે. અમે બધા 100 મીટરના અંતરે રહીએ છીએ, એટલે જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાને મળી શકીએ છીએ.’
બીજી બાજુ કિરણ પણ જણાવે છે, ‘મારા અને આમિર વચ્ચે ક્યારેય મોટો ઝઘડો થયો નથી. જે મતભેદ થયા હોય તે 12 કલાકમાં ઉકેલાઈ જતા હતા. જ્યારે છૂટાછેડા લેવાની વાત આવી ત્યારે તે પણ સમજણથી, કોઈ પણ જાતની કડવાશ વિના અમે નિર્ણય લીધો અને અમારી દોસ્તી, એકબીજા માટેનો આદર અને પ્રેમ જળવાયેલા રહ્યા છે. આમિરનો પરિવાર હજી પણ મારો પરિવાર છે. તેની માતા હજી પણ મારી સાસુ છે, તેના બાળકો મને પણ એટલાં જ વહાલાં છે અને અમે એક પરિવાર તરીકે હંમેશાં રહીશું.’ આ વાત રીના અને કિરણ બંને ખરા દિલથી માને પણ છે, જે આમિરના ગૌરી સાથેના લગ્ન વખતે જોવા મળ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિરના લગ્નમાં લગભગ 150 લોકો હાજર રહ્યા હતા, જેમાં રીના અને કિરણ પણ સહર્ષ સામેલ થયા હતા. વળી, આમિરના સંતાનોએ પણ આમિરના ગૌરી સાથેના લગ્નને સહર્ષ સ્વીકારી લીધા છે અને તેની ખુશીમાં તેનો આખો પરિવાર પણ ખુશ છે. ભાઈ, આ બાબતમાં આમિર ખાન ખરેખર નસીબદાર કહેવાય. તેને એક નહીં, બે નહીં, ત્રણ લગ્ન કરવાની તક મળી અને સૌથી મોટું સુખ તો એ કહેવાય કે આ ત્રણેય સ્ત્રીઓને એકબીજા સાથે તેમજ આમિરના પરિવાર સાથે પણ એટલું જ બને છે. સામાન્ય રીતે ભૂતપૂર્વ પતિ કે ભૂતપૂર્વ પત્ની સાથે આટલા સારા સંબંધો જાળવવા સહેલા હોતા નથી. પરંતુ ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ની આ આવડત કહેવાય કે પછી તેનું સદનસીબ કે તેનો અને તેના પરિવારનો તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ સાથે સ્વસ્થ અને ઉષ્માભર્યો સંબંધ આજે પણ જળવાઈ રહ્યો છે. કારણ જે હોય તે, પરંતુ આ સંબંધો કાયમ માટે પ્રેમ અને આદરથી શોભતા રહે એવી જ આપણી શુભેચ્છા! •

Most Popular

To Top