પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શુક્રવારે બનેલા ભયાનક ટ્રેન અકસ્માતે સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે. રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે સ્કૂલ વાન ઝડપભેર આવી રહેલી ટ્રેન સાથે અથડાતા ત્રણ વિદ્યાર્થીઓ અને વાન ચાલકનું મોત થયું છે. આ ઉપરાંત અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂલ વાનનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના મુર્શિદાબાદ જિલ્લાના એક રેલવે ક્રોસિંગ પર બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, હાવડા તરફ જતી નવદ્વીપ ધામ એક્સપ્રેસ પસાર થયા બાદ રેલવે ફાટક ખોલી દેવામાં આવ્યો હતો. તે સમયે સ્કૂલ વાનના ડ્રાઈવરે ફાટક ખુલ્લો જોઈને ટ્રેક પાર કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તે જ સમયે બીજી બાજુથી ઝડપથી આવતી નિમતીતા-કટવા લોકલ ટ્રેન આવી પહોંચી અને સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્કૂલ વાન ટ્રેન સાથે અથડાઈને રેલવે ટ્રેકની બાજુમાં ફંગોળાઈ ગઈ. વાનના અનેક ભાગો છૂટા પડી ગયા અને અંદર બેઠેલા બાળકો ફસાઈ ગયા. ઘટનાસ્થળે ચીસો અને અરેરાટી મચી ગઈ હતી.
અકસ્માતમાં ગોવિંદપુર ગામના ત્રણ વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જણાવાયું છે. વાનના ડ્રાઈવરનું પણ મોત થયું છે. કેટલાક અહેવાલોમાં 50 વર્ષીય એક સાયકલ સવારના પણ અકસ્માતમાં મોત થયાની માહિતી સામે આવી છે. જોકે, સત્તાવાર રીતે મૃતકોની અંતિમ સંખ્યા અંગે તપાસ ચાલી રહી છે. ઘટના બનતા જ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. વાનમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ પોલીસ, રેલવે અધિકારીઓ અને બચાવ ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક બાળકોની હાલત હજુ પણ ગંભીર છે.
અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ રેલવે તંત્ર અને ક્રોસિંગ પર ફરજ બજાવતા ગેટમેન પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે એક્સપ્રેસ ટ્રેન પસાર થયા બાદ ફાટક ખોલી દેવામાં આવ્યો હતો, જ્યારે થોડા જ સમયમાં એ જ ટ્રેક પર બીજી ટ્રેન આવવાની હતી. ફાટક ખુલ્લો હોવાથી વાન ચાલકને લાગ્યું કે રસ્તો સુરક્ષિત છે અને તેણે ટ્રેક પાર કરવાનો પ્રયાસ કર્યો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જો બીજી ટ્રેન આવવાની હતી તો રેલવે ગેટ ખોલવો જ ન જોઈએ. તેમના મતે આ ઘટનામાં સિગ્નલ સિસ્ટમ અને ગેટ સંચાલનમાં ગંભીર બેદરકારી થઈ છે. અન્ય સ્થાનિકોએ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે ટ્રેન આવી રહી હતી ત્યારે ગેટમેન ક્યાં હતા અને સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કેમ અમલમાં મૂકાઈ નહોતી.
પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. બીજી તરફ રેલવે વહીવટીતંત્રે પણ ઘટનાને ગંભીરતાથી લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ, હાવડાથી વરિષ્ઠ અધિકારીઓની ચાર સભ્યોની વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી રહી છે, જે અકસ્માતના દરેક પાસાની તપાસ કરશે. હાલમાં રેલવે દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે અકસ્માત માનવીય બેદરકારીને કારણે થયો હતો કે સિગ્નલ અથવા અન્ય તકનીકી ખામી જવાબદાર હતી. નિર્દોષ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે સ્થાનિકો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે