દેશભરમાં મોટા વિસ્ફોટના કાવતરાનો પર્દાફાશ; નિર્જન વિસ્તારોમાં વિસ્ફોટકની ટ્રાયલ પણ કરી, અત્યાર સુધી કુલ 13 આરોપીઓની ધરપકડ
ગુજરાત આતંકવાદ વિરોધી સ્કવોર્ડ (ATS)એ આતંકવાદ સામેની મોટી કાર્યવાહી કરતાં ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને આસપાસના વિસ્તારોમાંથી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ પાંચેય આરોપીઓ અગાઉ ઝડપાયેલા આઠ આતંકવાદીઓ સાથે મળીને દેશભરમાં મોટા પાયે વિસ્ફોટ કરવાની સાજિશમાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કાર્યવાહી સાથે સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.
એટીએસની તપાસ મુજબ આ સમગ્ર નેટવર્કના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અયુબ અને અમીન શેરા હતા. આરોપીઓએ વિસ્ફોટો કરવા માટે જરૂરી કેમિકલ્સ, ખાસ કરીને ગન પાવડર સહિતની સામગ્રી મંગાવી હતી. એટલું જ નહીં, સિદ્ધપુર અને આસપાસના ગામોના નિર્જન વિસ્તારોમાં સાતથી આઠ વખત નાના વિસ્ફોટ કરીને વિસ્ફોટક ઉપકરણોની ટ્રાયલ પણ કરી હતી.તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ શહેરોથી દૂર ગામડાના વિસ્તારોને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તેમનું માનવું હતું કે શહેરોમાં સુરક્ષા એજન્સીઓની નજર વધુ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહીને તેઓ સરળતાથી પોતાનું નેટવર્ક વિસ્તારી શકશે. જોકે ગુજરાત એટીએસ લાંબા સમયથી તેમના પર ગુપ્ત નજર રાખી રહી હતી અને પૂરતા પુરાવા એકત્ર કર્યા બાદ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો.
એટીએસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા તમામ આરોપીઓ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા અને અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથે મળીને વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં સક્રિય રીતે સામેલ હતા.ધરપકડ કરાયેલા પાંચ આતંકીઓમાં મોહમ્મદ અયુબ સુનાસરા ઉર્ફે મોહમ્મદ ખલી, મોહમ્મદ હસન કરાડિયા ઉર્ફે હસન હૈદરપુરી, મોહમ્મદ શફી મુખી ઉર્ફે શફી ચાપી, મોહમ્મદ અયુબ કડીવાલ ઉર્ફે મોહમ્મદ ખડિયાસણ અને બિલાલ આબિદ શેરાનો સમાવેશ થાય છે.
સિદ્ધપુર જેવા નાના શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદી નેટવર્ક સક્રિય હોવાનો ખુલાસો રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હવે એટીએસ આરોપીઓના અન્ય સાગરિતો, ફંડિંગના સ્ત્રોત, પાકિસ્તાન સાથેના સંપર્કો અને દેશમાં અન્ય ક્યાં-ક્યાં હુમલાની યોજના ઘડાઈ હતી તે દિશામાં તપાસને વધુ વિસ્તારી રહી છે.