National

મમતા બેનર્જીનો ગુસ્સો ફાટ્યો, ઘરની બહાર 3 લોકોને માર્યા થપ્પડ; TMC-BJP કાર્યકરો વચ્ચે ઘર્ષણ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં બુધવારે રાજકીય માહોલ ગરમાયો હતો. બારુઈપુરમાં 11 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો અને ધક્કામુક્કી થઈ હતી. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. આ સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ગુસ્સે ભરાયા અને પોતાના ઘરની બહાર આવી ત્રણ લોકોને થપ્પડ મારી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

TMCની રેલી કોલકાતાના બાલિગંજ ફાડીથી શરૂ થઈને હાજરા ક્રોસિંગ સુધી પહોંચી હતી. રેલી જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાન પાસે પહોંચી ત્યારે ભાજપના કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો. TMCનો આરોપ છે કે ભાજપના સમર્થકોએ રેલી પર ઇંડા ફેંક્યા અને “ચોર-ચોર”ના નારા લગાવ્યા. જેના કારણે ત્યાં ભારે હોબાળો મચી ગયો. હંગામો વધતા મમતા બેનર્જી પોતાના ઘરેથી બહાર આવ્યા. તેમણે લોકોને શાંતિ રાખવા અને ત્યાંથી હટી જવા અપીલ કરી. હાથના ઇશારાથી ભીડને પાછળ હટવાનું પણ કહ્યું. જોકે કેટલાક લોકો ત્યાં જ ઊભા રહી મોબાઇલથી વીડિયો બનાવી રહ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જી ગુસ્સે ભરાયા અને એક વ્યક્તિને થપ્પડ મારી દીધી. ત્યારબાદ તેમણે અન્ય બે લોકોની પીઠ પર પણ હાથ માર્યો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. જોકે, જેમને માર પડ્યો તેમની ઓળખ હજુ સુધી જાહેર થઈ નથી.

રેલી દરમિયાન અનેક સ્થળોએ TMC અને ભાજપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધક્કામુક્કી થઈ હતી. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે લાઠીચાર્જ કરીને બંને પક્ષને અલગ કર્યા. આ ઘટનાના કારણે દક્ષિણ કોલકાતાના ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમગ્ર ઘટનાનો દોષ ભાજપ પર મૂક્યો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે જાણબૂઝીને તેમની રેલીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તેમના જણાવ્યા મુજબ મહિલા કાર્યકરો સાથે પણ મારપીટ થઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મમતાએ કોલકાતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસે કોર્ટના આદેશનું યોગ્ય પાલન કરાવ્યું નહીં અને સમયસર કાર્યવાહી પણ કરી નહીં.

બીજી તરફ ભાજપે મમતાના તમામ આરોપોને ફગાવી દીધા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે કહ્યું કે તેમની પાર્ટીએ કોઈ હુમલો કર્યો નથી. તેમના જણાવ્યા મુજબ TMC કાર્યકરોએ પહેલા ભાજપના સમર્થકોને ઉશ્કેર્યા હતા, જેના કારણે વિવાદ ઊભો થયો. તેમણે એવો પણ દાવો કર્યો કે TMCની રેલીને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. નોંધનીય છે કે આ વિરોધ રેલીને કલકત્તા હાઈકોર્ટ તરફથી મંજૂરી આપવામાં આવી હતી. છતાં સમગ્ર માર્ગ દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે અનેક વખત તણાવ સર્જાયો હતો. પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી, પરંતુ ઘટનાએ પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી ગરમાવી દીધું છે. 11 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને રાજ્યમાં પહેલાથી જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિરોધ રેલી દરમિયાન થયેલા હોબાળા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના વર્તનને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.

Most Popular

To Top