SURAT

પૂરના પાણીમાં સુરતમાં ત્રણ દિવસમાં 26 પરિવારોમાં માતમ, શહેરભરમાં શોક અને તંત્ર સામે રોષ

સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા અનરાધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. માત્ર છેલ્લા 24 કલાકમાં જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાં 13 લોકોના વરસાદી પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે એક યુવકનું કરંટ લાગવાથી અને એક પ્રજ્ઞાચક્ષુ યુવકનું બિલ્ડિંગ પરથી પડી જવાથી મોત થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 26 લોકોના મોત થતા સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાની વરસાદ પૂર્વેની તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. ડિંડોલીના મહાદેવનગરમાં રહેતા 58 વર્ષીય પ્રસાદ કાપડે હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. મંગળવારે કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે તેઓ રસ્તામાં ભરાયેલા પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. બુધવારે સવારે તેમનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું.

પુણાગામ વિસ્તારમાં પણ બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા. 45 વર્ષીય મહેશ ઝાલોદરા અને 44 વર્ષીય પરેશસિંહ ખેંગાર બંને વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા. સવારે તેમના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સચિન વિસ્તારમાં રહેતા 41 વર્ષીય સંજીત મહંતો મિલમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. તેઓ કંપનીમાંથી ઘરે જતી વખતે પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાલી ગામ નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંડેસરામાં બે પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. 16 વર્ષીય સત્યન શ્રીવાસ્તવ ચાની લારી પર કામ કરીને પરિવારને મદદ કરતો હતો. કામ પરથી ઘરે આવતા તે પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. બીજી તરફ, માત્ર 9 વર્ષનો અનુભવ કોળી ઘર નજીક રમતા-રમતા પાણીમાં તણાઈ ગયો. બંનેના મોતથી પરિવારોમાં કરુણ માહોલ સર્જાયો છે. ઉન પાટિયા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ 21 વર્ષીય હારુન અંસારી અને 18 વર્ષીય ફારુક અંસારી હજીરાની કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે રાત્રે નોકરી પૂરી કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘરની નજીક જ પૂરના તેજ પ્રવાહમાં બંને ભાઈઓ બાઈક સાથે તણાઈ ગયા હતા. સવારે સર્ચ ઓપરેશન દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારમાં બે યુવાન દીકરાઓના મોતથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો.

ભીમરાડના 20 વર્ષીય દેવ પટેલ પોતાની બહેનના ઘરે દૂધ આપવા ગયા હતા. ત્યાં ફ્રિજ ચાલુ કરતી વખતે તેમને કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છતાં તેમનું મોત થયું હતું. ડિંડોલી વિસ્તારમાં પૂરના પાણીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો છે. તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને પોલીસ તપાસ કરી રહી છે. વેડ રોડ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય નરેન્દ્ર વાનખેડે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા નહોતા. બીજા દિવસે સવારે તેઓ પાણીમાં ડૂબેલા હાલતમાં મૃત મળી આવ્યા હતા.

વડોદ ગામમાં રહેતા 18 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ ભોલાભાઈ વરસાદ શરૂ થતાં અગાસી પરથી નીચે આવતાં ત્રીજા માળેથી પડી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ભેસ્તાન વિસ્તારમાં 73 વર્ષીય રામભાવ કાહલે સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં પાણીમાં પડી જતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ડિંડોલીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 18 વર્ષીય પ્રણય ઠાકુર પિતાને લેવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં પાણીમાં ડૂબી ગયા હતા. બીજા દિવસે તેમનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. તે જ વિસ્તારમાં રહેતા 44 વર્ષીય દરજી ચંદ્રેશ રાજભર પણ પૂરના પાણીમાં ડૂબી જતા જીવ ગુમાવ્યો હતો.

સુરતમાં માત્ર બે દિવસમાં પડેલા લગભગ 18 ઇંચ વરસાદથી શહેરની પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ હતી. અનેક રહેણાંક વિસ્તારો, રસ્તાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજારો લોકો ઘર અને દુકાનોમાં ફસાઈ ગયા હતા અને કરોડો રૂપિયાના માલસામાનને નુકસાન થયું છે. વરસાદ હવે થંભ્યો છે, પરંતુ શહેરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. લોકો ધીમે-ધીમે સામાન્ય જીવન તરફ પરત ફરી રહ્યા છે, પરંતુ પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે આ દુઃખ ક્યારેય ભૂલાય તેવું નથી. બીજી તરફ, વરસાદ પહેલાં ખાડીપૂર નહીં આવે તેવી ખાતરી આપનાર તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા મૃત્યુઆંક બાદ હવે લોકો જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top