SURAT

સુરતમાં ભારે વરસાદની આગાહી, રૂબી ડોગ સહિત NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તહેનાત

સુરત જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તરત જ બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે અગાઉથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને પૂર, પાણી ભરાવા અને અન્ય કુદરતી આફતોની સ્થિતિમાં લોકોને ઝડપી મદદ મળી રહે તે માટે ઓલપાડ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે. વડોદરા બટાલિયન-6ની આ NDRF ટીમને સુરત જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે ટીમને તરત જ અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશેષ ટીમમાં કુલ 30 પ્રશિક્ષિત જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં બે મહિલા રેસ્ક્યુઅરને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં વધુ અસરકારક રીતે બચાવ કામગીરી હાથ ધરી શકાય. મહિલા અને બાળકો સહિત દરેક પ્રકારના બચાવ અભિયાનમાં આ મહિલા રેસ્ક્યુઅર્સ મહત્વની ભૂમિકા ભજવશે.

આ ટીમની ખાસ વાત એ છે કે તેની સાથે ‘રૂબી’ નામનો વિશેષ તાલીમ પ્રાપ્ત રેસ્ક્યુ ડોગ પણ છે. રૂબી આપત્તિના સમયે કાટમાળ, પાણી ભરાયેલા વિસ્તારો અથવા મુશ્કેલ સ્થળોએ ફસાયેલા લોકોને શોધવામાં મહત્વની મદદ કરે છે. આવી વિશેષ તાલીમ ધરાવતા ડોગ્સ બચાવ કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવે છે. NDRFની ટીમ પાસે તમામ આધુનિક બચાવ સાધનો પણ ઉપલબ્ધ છે. તેમાં રબર બોટ, લાઈફ જેકેટ, લાઈફ બોય, કટર મશીન તેમજ અન્ય જરૂરી રેસ્ક્યુ સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનોની મદદથી પૂર અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી ઝડપથી કરી શકાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી વિભાગો વચ્ચે સતત સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના આધારે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી જરૂર પડ્યે કોઈપણ પ્રકારની કામગીરીમાં વિલંબ ન થાય.

NDRFની ટીમ હાલ સંપૂર્ણ રીતે સ્ટેન્ડબાય સ્થિતિમાં છે અને કોઈપણ સમયે કામગીરી શરૂ કરવા માટે તૈયાર છે. સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક રાખીને સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવી રહી છે અને જરૂરિયાત મુજબ બચાવ આયોજનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. NDRFના ઈન્સ્પેક્ટર આર.પી. ભાટીએ જણાવ્યું હતું કે, વરસાદી મોસમ દરમિયાન તેમની ટીમ હંમેશા સતર્ક રહે છે. તેમણે કહ્યું કે ટીમ પાસે બચાવ કામગીરી માટે જરૂરી તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ છે અને પ્રશિક્ષિત જવાનો કોઈપણ પ્રકારની કુદરતી આફતનો સામનો કરવા સક્ષમ છે. તેમણે જણાવ્યું કે જો ભારે વરસાદ, પૂર અથવા અન્ય કોઈ આપાતકાલીન સ્થિતિ સર્જાશે તો ટીમ તરત જ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી બચાવ કામગીરી શરૂ કરશે. લોકોના જીવ બચાવવા અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું મુખ્ય લક્ષ્ય રહેશે.

ઈન્સ્પેક્ટર આર.પી. ભાટીએ નાગરિકોને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર જિલ્લા વહીવટી તંત્ર તથા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે. તેમણે લોકોને બિનજરૂરી રીતે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, જોખમી સ્થળોથી દૂર રહેવા અને કોઈપણ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક સંબંધિત તંત્રનો સંપર્ક કરવા પણ જણાવ્યું. સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન દર વર્ષે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં અગાઉથી કરવામાં આવેલી તૈયારીઓ અને NDRF જેવી વિશેષ ટીમોની તૈનાતીથી આપાતકાલીન પરિસ્થિતિનો ઝડપથી સામનો કરવામાં મદદ મળશે. વહીવટી તંત્રનું કહેવું છે કે લોકોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને વરસાદી પરિસ્થિતિ દરમિયાન દરેક પ્રકારની મદદ માટે તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top