Vadodara

સયાજી હોસ્પિટલમાં માનવતા મરી પરવારી?

મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ ન મળી, તંત્ર ‘રીલ્સ’ જોવામાં વ્યસ્ત

તમારાથી જે થાય તે કરી લો ! સયાજી હોસ્પિટલની નિર્લજ્જતાની પરાકાષ્ઠા, સ્વજનના મૃતદેહને સ્ટેચર પર લઈને રઝળતા પરિવારજનો, સત્તાધીશોની ઘોર બેદરકારી સામે રોષ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૫

વડોદરા :- મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી અને હજારો દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સયાજી હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલ તંત્રની અમાનવીય અને બેદરકાર કામગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલી એક મહિલાના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવા માટે તંત્રે એમ્બ્યુલન્સ સુદ્ધા ફાળવી ન હતી. અંતે, શોકાતુર પરિવારજનોએ જાતે સ્ટેચર ધકેલીને મૃતદેહને કોલ્ડ રૂમ સુધી પહોંચાડવો પડ્યો હતો.

મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના કર્મચારીઓ અને ફરજ પરના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના જમાઈ રવિ રાવલે આક્રમક સૂર સાથે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ એમ્બ્યુલન્સ માટે વિનંતી કરવા ગયા ત્યારે જવાબદાર અધિકારીઓ એસી કેબિનમાં બેસીને પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. આટલું જ નહીં, રજૂઆતને ગંભીરતાથી લેવાને બદલે તેમને ધમકાવવામાં આવ્યા હતા.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના સ્ટાફ દ્વારા અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટાફના સભ્યોએ નિર્લજ્જતાથી કહ્યું હતું કે, “તમારાથી જે ઉખાડવું હોય તે ઉખાડી લો અને જે કરવું હોય તે કરી લો.” સરકાર તરફથી તમામ સુવિધાઓ મળતી હોવા છતાં, હોસ્પિટલના કર્મચારીઓનો આવો માનવતાહીન અભિગમ તંત્રની પોકળતા છતી કરે છે.

સયાજી હોસ્પિટલના તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીના મૃત્યુ બાદ પણ એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કેમ ન થઈ શકી ? શું સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ પરના અધિકારીઓનું કામ મોબાઈલમાં રીલ્સ જોવાનું છે ? સામાન્ય નાગરિકોની લાચારીનો લાભ લઈ તેમની સાથે ગેરવર્તન કરનારા જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે ?

આ ઘટના ત્યારે બની જ્યારે વડોદરામાં ચોમાસું જામ્યું છે. રસ્તાઓ અને હોસ્પિટલના પરિસરમાં મુશ્કેલીઓ વચ્ચે પરિવારજનોએ સ્ટેચર પર મૃતદેહ લઈ જવો પડ્યો, જે દ્રશ્ય જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે. હવે જોવાનું એ રહે છે કે, શું ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાને માત્ર એક ‘કિસ્સો’ ગણીને દબાવી દેશે કે પછી જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડશે ?

Most Popular

To Top