અધૂરો રોડ, ચોકઅપ ગટરો અને અણઘડ આયોજનથી કે.કે. હાઈસ્કૂલ પાસે વરસાદી પાણી ભરાયા; ગ્રામજનોમાં રોષ, TDOને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

કાલોલ, તા. 04/07/2026
વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. કે.કે. હાઈસ્કૂલ પાસે અધૂરા રોડ, ચોકઅપ ગટરો અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે ઘૂંટણસમા ગંદા પાણી ભરાઈ ગયા છે. પરિણામે નાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગંદા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવાની ફરજ પડી રહી છે, જેને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શાળા તરફ જતો મુખ્ય રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે, જ્યારે શાળા પાસેનો ભાગ અધૂરો છોડી દેવાતા સમગ્ર વિસ્તારનું વરસાદી પાણી નીચાણવાળા ભાગમાં એકત્ર થઈ જાય છે. રોડના અણઘડ આયોજનને કારણે દર વરસાદે આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.
ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ગટરોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. પરિણામે ગટરો ચોકઅપ થઈ ગઈ છે અને વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી પણ રસ્તા પર ઉભરાઈ રહ્યું છે. ગંદકીના કારણે વિદ્યાર્થીઓમાં ચેપી રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે.
ગ્રામજનોનું કહેવું છે કે લાખો રૂપિયાના વિકાસકામો છતાં શાળા જેવા સંવેદનશીલ સ્થળે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થવી તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પણ માત્ર કાગળ પૂરતા જ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને અધૂરો રોડ પૂર્ણ કરવા, ગટરોની સફાઈ કરાવવા અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા માંગ કરી છે. સાથે ચેતવણી પણ આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.