Gujarat

શિયર ઝોનની અસરથી ગુજરાતમાં ધોધમાર વરસાદ, 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગે રાજ્યમાં 10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમ જ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ મુંબઈ અને ગુજરાત વચ્ચે શિયર ઝોન સક્રિય બન્યો છે. તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. 5 જુલાઈથી ચોમાસું વધુ સક્રિય બનશે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. મધ્યમથી ભારે વરસાદનો આ માહોલ 10 જુલાઈ સુધી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાને લઈને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. નદી-નાળા નજીક રહેતા લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનો વિસ્તાર વધુ વિસ્તરશે. પૂર્વ અને ઉત્તર ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે. ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં એકસાથે પાંચ હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને બચાવ અને રાહત કામગીરી માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદની સાથે પવનની ગતિ પણ વધશે. હવામાન વિભાગે 7 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. ભારે પવનને કારણે વૃક્ષો પડવાની, વીજ પુરવઠો ખોરવાવાની અને હોર્ડિંગ્સને નુકસાન થવાની શક્યતા છે. તેથી લોકોને જરૂરિયાત વિના ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ગંભીર બની શકે છે. ભારે પવન અને ઊંચા મોજાંના કારણે અરબી સમુદ્ર તોફાની બનવાની શક્યતા છે. આથી દરિયાકાંઠાના તમામ બંદરો પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. દરિયામાં પહેલેથી ગયેલા માછીમારોને પણ વહેલી તકે સુરક્ષિત રીતે પરત ફરવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ બચાવ ટીમો, ફાયર વિભાગ અને અન્ય એજન્સીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર હવામાન વિભાગ અને સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હોવાથી પ્રવાસીઓ, ખેડૂતો, વાહનચાલકો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે.

Most Popular

To Top