Gujarat

ચોમાસું જામ્યું: સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મેહર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ અને હવે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે.

ગુજરાત હવામાન વિભાગના આંકડા મુજબ, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ 12.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ બંને તાલુકાઓમાં ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે સવારે વરસાદનું કેન્દ્ર દક્ષિણ ગુજરાત તરફ ખસ્યું છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં વલસાડ તાલુકામાં 6.10 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ડાંગ જિલ્લાના ધ ડાંગ તાલુકામાં 3.11 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 29 તાલુકાઓમાં સવારના માત્ર બે કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે આગામી કલાકો માટે પણ વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે અને સ્થાનિક સ્તરે ભારે વરસાદ પણ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ગુજરાતના વધુ વિસ્તારો સુધી પહોંચી ગયું છે. ચોમાસું સમગ્ર દિલ્હી, ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારો તેમ જ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી આગળ વધી ચૂક્યું છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતના વધુ વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજ્યમાં એકસાથે પાંચ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય થઈ છે. તેમાં ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમો એકસાથે સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધી ગઈ છે.

છેલ્લા લગભગ પંદર દિવસથી રાજ્યના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે જુલાઈની શરૂઆત સાથે વરસાદનું જોર વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં વાવણી અને ખેતીની કામગીરીને પણ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની, ભારે વરસાદ દરમિયાન નદી-નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની તેમ જ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના હોવાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top