Entertainment

‘સપનું આજે હકીકત બન્યું’: અમેરિકામાં શાહરૂખ ખાને શરૂ કર્યું નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ

બોલિવુડના ‘બાદશાહ’ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સહ-માલિક શાહરૂખ ખાને અમેરિકાના લોસ એન્જલસમાં એક ભવ્ય અને આધુનિક ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને ક્રિકેટ જગતમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. કેલિફોર્નિયાના પોમોના શહેરમાં આવેલા ફેરપ્લેક્સ ખાતે તૈયાર કરાયેલું ‘નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’ હવે મેજર લીગ ક્રિકેટ (MLC)માં રમતી લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ (LAKR) ટીમનું હોમ ગ્રાઉન્ડ બનશે. ખાસ વાત એ છે કે આ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ માત્ર 100 દિવસના ટૂંકા સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું કે, “જે એક સપનું હતું, તે આજે હકીકત બની ગયું છે. લોસ એન્જલસના નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપ સૌનું સ્વાગત છે.” શાહરૂખે વધુમાં જણાવ્યું કે આ મેદાન માત્ર ક્રિકેટ માટે નહીં, પરંતુ પરિવાર, મનોરંજન અને યાદગાર પળો સર્જવા માટે પણ બનાવવામાં આવ્યું છે. તેણે આ પ્રોજેક્ટમાં સહયોગ આપવા બદલ ICCના અધ્યક્ષ જય શાહ અને ICCના CEO સંજોગ ગુપ્તાનો ખાસ આભાર માન્યો હતો.

શાહરૂખે કહ્યું કે આ સ્ટેડિયમ માત્ર લોસ એન્જલસના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો અને નાઈટ રાઈડર્સ પરિવારને સમર્પિત છે. પોતાના જાણીતા સંદેશ “Believe in Purple and Gold” સાથે તેણે ક્રિકેટના વૈશ્વિક વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ઉદ્ઘાટન પ્રસંગે શેર કરાયેલા વીડિયોમાં અનેક જાણીતા ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા. તેમાં અમેરિકાની ટીમ માટે રમતો ઝડપી બોલર અલી ખાન, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો અને KKRના સ્ટાર સ્પિનર સુનીલ નારાયણ પણ સામેલ હતા. અલી ખાનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે અને હાલ લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે. તેના વીડિયોમાં દેખાવાને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. આ સ્ટેડિયમનું સૌથી મોટું મહત્વ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 સાથે પણ જોડાયેલું છે. લગભગ 128 વર્ષ બાદ ક્રિકેટની ઓલિમ્પિકમાં વાપસી થઈ રહી છે અને આ મેદાનને સંભવિત ઓલિમ્પિક ક્રિકેટ મેચોની યજમાની માટે મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવી રહ્યું છે. જો આ મેદાનને સત્તાવાર મંજૂરી મળે તો વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે તે ઐતિહાસિક ક્ષણ બની શકે છે.

સ્ટેડિયમની સુવિધાઓ પણ આંતરરાષ્ટ્રીય ધોરણની છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ અહીં મુખ્ય સ્ક્વેર પર 8 અલગ-અલગ પિચ તૈયાર કરવામાં આવી છે. મેદાનમાં ICCના નિયમો મુજબ બાઉન્ડ્રીનું માપ રાખવામાં આવ્યું છે અને રાત્રિના મુકાબલાઓ માટે 120 ફૂટ ઊંચા છ ફ્લડલાઇટ ટાવર્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. ખેલાડીઓ તેમજ દર્શકો માટે આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે આ મેદાન અમેરિકા ખાતેના શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમોમાં સામેલ થઈ શકે છે. લોસ એન્જલસ નાઈટ રાઈડર્સની વાત કરીએ તો ટીમે વર્ષ 2023માં મેજર લીગ ક્રિકેટની પ્રથમ સીઝનથી રમવાનું શરૂ કર્યું હતું. જોકે અત્યાર સુધી ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. પ્રથમ સીઝનમાં ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે રહી હતી. 2024માં થોડો સુધારો કરીને પાંચમું સ્થાન મેળવ્યું હતું, પરંતુ 2025માં ફરી ટીમ છઠ્ઠા સ્થાને સરકી ગઈ હતી. હવે નવા હોમ ગ્રાઉન્ડ અને આધુનિક સુવિધાઓ સાથે ટીમ આગામી સીઝનમાં વધુ સારું પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવાના પ્રયાસો છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. મેજર લીગ ક્રિકેટ શરૂ થયા બાદ વિશ્વના અનેક મોટા ખેલાડીઓ અને રોકાણકારો અમેરિકન ક્રિકેટ સાથે જોડાઈ રહ્યા છે. એવા સમયમાં શાહરૂખ ખાન દ્વારા ઉભું કરાયેલું આ વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ અમેરિકામાં ક્રિકેટના ભવિષ્ય માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આવનારા વર્ષોમાં આ મેદાન આંતરરાષ્ટ્રીય મેચો, મેજર લીગ ક્રિકેટ અને સંભવિત ઓલિમ્પિક ક્રિકેટ સ્પર્ધાઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.

Most Popular

To Top