Entertainment

સુપ્રિયા સુલેની દીકરીના લગ્નમાં અંબાણીથી લઈને બચ્ચન પરિવાર સુધી સેલેબ્સનો મેળો, શાહરુખના ડાન્સે લૂંટી મહેફિલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના પરિવાર માટે 20 જૂનનો દિવસ ખાસ રહ્યો, જ્યારે સાંસદ સુપ્રિયા સુલેની દીકરી રેવતી સુલે લગ્નના બંધનમાં બંધાઈ. રેવતીએ સારંગ લાખાની સાથે સાત ફેરા ફર્યા અને આ ખુશીના અવસરે દેશના રાજકારણ, ઉદ્યોગ જગત અને બોલિવુડના અનેક જાણીતા ચહેરાઓ એક જ છત નીચે જોવા મળ્યા. આ ભવ્ય લગ્ન સમારોહમાં અંબાણી પરિવાર, બચ્ચન પરિવાર, શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. લગ્નમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખાસ હાજર રહ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ મેચિંગ રંગની સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા.

સમારોહ દરમિયાન એક રસપ્રદ ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પ્રવેશદ્વાર તરફ જઈ રહ્યા હતા અને તેમની મુલાકાત નીતા અંબાણી તથા રાધિકા મર્ચન્ટ સાથે થઈ. રાધિકા મર્ચન્ટ ખૂબ જ ઉત્સાહભેર અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરતી જોવા મળી હતી. નીતા અંબાણી પણ આ ચર્ચામાં જોડાયા હતા. ત્રણેય વચ્ચેની હળવી અને આનંદભરી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ચાહકોને પણ સદીના મહાનાયક અને અંબાણી પરિવાર વચ્ચેનો આ ખાસ ક્ષણ ખૂબ પસંદ આવ્યો છે. સમારોહ દરમિયાન રાધિકા મર્ચન્ટ અને અનિલ અંબાણી વચ્ચેનો ખાસ સંબંધ પણ જોવા મળ્યો હતો. જ્યારે રાધિકા અમિતાભ બચ્ચન સાથે વાત કરી રહી હતી ત્યારે અનિલ અંબાણી ત્યાં પહોંચ્યા હતા. કોઈ વાત પર મજાક થતાં સૌ હસી પડ્યા હતા. રાધિકા તેમને પગે લાગવા જતી હતી, પરંતુ અનિલ અંબાણીએ તેને રોકીને પ્રેમથી ભેટી લીધી હતી. આ ક્ષણે પરિવારના સભ્યો વચ્ચેનો સ્નેહ અને લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.

લગ્ન સમારોહમાં બોલિવુડના ઘણા મોટા કલાકારો પણ ખાસ અંદાજમાં પહોંચ્યા હતા. રણબીર કપૂર બ્લેક ટક્સીડોમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાયો હતો, જ્યારે સલમાન ખાનનો અલગ અને આકર્ષક લુક પણ સૌનું ધ્યાન ખેંચી ગયો હતો. અમિતાભ અને જયા બચ્ચન પણ પરંપરાગત અંદાજમાં કાર્યક્રમની શોભા વધારતા જોવા મળ્યા હતા. જોકે સમગ્ર સમારોહમાં સૌથી વધુ ચર્ચા શાહરુખ ખાનના ડાન્સની થઈ રહી છે. સંગીત સમારોહ દરમિયાન ગાયક રાહુલ વૈદ્ય ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું લોકપ્રિય ગીત ‘કોઈ મિલ ગયા’ ગાઈ રહ્યા હતા. આ દરમિયાન શાહરુખ ખાને નવદંપતી રેવતી અને સારંગ સાથે સ્ટેજ પર આવીને મનમૂકીને ડાન્સ કર્યો હતો.

શાહરુખનો ઊર્જાસભર ડાન્સ જોઈને મહેમાનો પણ ઝૂમી ઉઠ્યા હતા. તેમની હાજરીએ સંગીત સમારોહમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં શાહરુખનો હસમુખો અને મસ્તીભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ લગ્ન માત્ર એક પારિવારિક પ્રસંગ ન રહ્યો, પરંતુ રાજકારણ, ઉદ્યોગ અને મનોરંજન જગતના દિગ્ગજોને એકસાથે જોવા મળતા તે એક ભવ્ય સેલિબ્રિટી ઇવેન્ટમાં ફેરવાઈ ગયો. અંબાણી પરિવારની હાજરી, અમિતાભ બચ્ચન સાથેની વાતચીત, અનિલ અંબાણી અને રાધિકાનો સ્નેહભર્યો સંબંધ તેમજ શાહરુખ ખાનનો જોરદાર ડાન્સ, આ બધું મળીને આ લગ્નને યાદગાર બનાવી ગયું. હવે આ ભવ્ય સમારોહના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર લાખો લોકો જોઈ રહ્યા છે અને સેલિબ્રિટીઓના આ ખાસ અંદાજની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

Most Popular

To Top