SURAT

‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાનને મોટી સફળતા, NDPS કોર્ટે ત્રણ આરોપીઓને ફટકારી 20 વર્ષની સજા

સુરતમાં વર્ષ 2022માં ઝડપાયેલા ડ્રગ્સ પેડલર્સ સામે ચાલી રહેલા ચકચારી કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. સુરત શહેર પોલીસની સચોટ તપાસ, મજબૂત પુરાવા અને સરકારી વકીલની અસરકારક દલીલોને આધારે કોર્ટે આ સજા સંભળાવી છે. આ ચુકાદાને ડ્રગ્સના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, 25 ઓક્ટોબર 2022ના રોજ સુરત શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક લોકો પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ લઈને પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે સચીન કપલેઠા ચેક પોસ્ટ નજીક જાહેર માર્ગ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા ત્રણ શંકાસ્પદ યુવકોને અટકાવી તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી કુલ 590 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 59 લાખ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ કેસમાં પોલીસે નાનપુરા અને રૂદરપુરા વિસ્તારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાં અઝહરૂદ્દીન ઉર્ફે કેલા (ઉંમર 27 વર્ષ), મોહમ્મદ રીજવાન ઉર્ફે સ્માર્ટી (ઉંમર 25 વર્ષ) અને મોહમ્મદ તોહિદ (ઉંમર 22 વર્ષ)નો સમાવેશ થાય છે. એસઓજીના પીએસઆઈ આર. એમ. સોલંકી ફરિયાદી બન્યા હતા અને સચીન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની તપાસ દરમિયાન પોલીસે ડ્રગ્સ જપ્તી, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્ર કરીને આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ કેસ સુરતની સ્પેશિયલ NDPS કોર્ટમાં ચાલ્યો હતો. નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એ. એસ. સોનારા, પીઆઈ એ. પી. ચૌધરી, પીએસઆઈ આર. એમ. સોલંકી અને તેમની ટીમે કેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓને કોર્ટ સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટમાં વકીલ શ્રી જીતેન્દ્ર પારડીવાલા સાહેબે ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે માટે ધારદાર દલીલો રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને નામદાર સ્પેશ્યલ NDPS કોર્ટે તા. 1 જુલાઈ 2026ના રોજ આખરી ચુકાદો આપતા ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને બે લાખ રૂપિયાના દંડનો હુકમ કર્યો છે. દંડની રકમ ન ભરાય તો કાયદા મુજબ વધારાની સજા પણ ભોગવવી પડશે. ડ્રગ્સના ગુનાઓ સામે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “No Drugs in Surat City” અભિયાન માટે આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પોલીસનું માનવું છે કે આવા કડક ચુકાદાઓથી ડ્રગ્સનું વેચાણ અને હેરફેર કરતા તત્વોમાં કાયદાનો ભય ઉભો થશે અને યુવાનોને નશાના રવાડે ચઢાવતા લોકો સામે કડક સંદેશ જશે. ડ્રગ્સના વધતા નેટવર્ક સામે સુરત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં આવેલા ચુકાદાને માત્ર એક સજા તરીકે નહીં પરંતુ ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે કાયદાની મજબૂત કાર્યવાહીનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. પોલીસને આશા છે કે આવા કડક નિર્ણયો ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવામાં પણ અસરકારક સાબિત થશે.

Most Popular

To Top