છેલ્લા 2 વર્ષથી અમેરિકામાં રહેતો પરિવાર આગ લાગતા બાથરૂમમાં ભરાયો હતો જ્યાં ધુમાડાના કારણે ગૂંગળાઈ જવાથી 3ના મોત
(પ્રતિનિધિ) નડિયાદ, તા.2
અમેરિકા વુસ્ટર શહેરની ઈકોનો લોજમાં અચાનક લાગેલી ભીષણ આગમાં અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ નડિયાદના સુથાર પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આગથી બચવા માટે પરિવારના સભ્યો બાથરૂમમાં છુપાયા હતા પરંતુ આગ પર કાબૂ મેળવવામાં સમય લાગતા ત્રણેય સભ્યો ઝેરી ધુમાડાના કારણે ગૂંગળાઈ ગયા હતા.

અમેરિકાના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો લોજમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે જેમાં મૂળ નડિયાદના એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં હિતેશ સુથાર, તેમના પત્ની હિના અને તેમની 20 વર્ષની દીકરી ઈશાનીનો સમાવેશ થાય છે. આ સુથાર પરિવાર છેલ્લા 2 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને હાલમાં તેઓ વુસ્ટરમાં આવેલી આ ઈકોનો લોજમાં વસવાટ કરતા હતા. આગની ઘટનામાં પરિવારને બહાર નીકળવાની તક ન મળતા ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
જે લોજમાં આ પરિવાર રહેતો હતો ત્યાં કોઈ કારણસર અચાનક આગ લાગી ગઈ હતી. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે ચારેય તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો. લોજમાં લાગેલી આ આગમાંથી બચવા માટે હિતેશ અને તેમનો પરિવાર રૂમના બાથરૂમમાં જતા રહ્યા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો. રૂમમાં આગની જ્વાળાઓ અને ઝેરી ધુમાડો વધુ પડતો ફેલાઈ જવાના કારણે બાથરૂમમાં બંધ ત્રણેય સભ્યો ગૂંગળાઈ ગયા હતા.
