શિક્ષકને સમાજનો શિલ્પી કહેવામાં આવે છે, પરંતુ જો શિલ્પીઓને ઘડતી સંસ્થાઓ જ ખોખલી બની જાય તો શિક્ષણનું ભવિષ્ય કોના ભરોસે? આજે કેટલીક કથિત બી.ઍડ. સંસ્થાઓમાં ચાલતું ‘ભૂતિયા બી.ઍડ.’ નું ચિત્ર ચિંતાજનક છે. અઠવાડિયામાં માત્ર શનિવાર – રવિવારે વર્ગો યોજાય, બાકીના દિવસોમાં કેમ્પસ સૂમસામ રહે અને હાજરી, પાઠ આયોજન, પ્રેક્ટિકલ, ઇન્ટર્નશિપ તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કાગળો પર જ પૂર્ણ થઈ જાય—શું આને શિક્ષક શિક્ષણ કહી શકાય? બી.ઍડ.ની ડિગ્રી મેળવવી સરળ બની રહી છે, પરંતુ શિક્ષક બનવાની પ્રક્રિયા સતત નબળી પડી રહી છે.
આવી સંસ્થાઓ શિક્ષણને સેવા નહીં, પરંતુ વેપાર બનાવી રહી છે. પરિણામે સમાજને કુશળ, સંવેદનશીલ અને જવાબદાર શિક્ષકો નહીં, પરંતુ માત્ર પ્રમાણપત્રધારી ઉમેદવારો મળી રહ્યા છે. તેની સૌથી મોટી કિંમત આપણા શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને ચૂકવવી પડે છે. શિક્ષક શિક્ષણની નિયામક સંસ્થા (NCTE) એ માત્ર કાગળો નહીં, પરંતુ વાસ્તવિક શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરવું જોઈએ.
શિક્ષક ઘડતર કોઈ ઔપચારિકતા નથી; તે રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ છે. જો આજે ‘ભૂતિયા બી.ઍડ.’ સામે મૌન રહીશું, તો આવતીકાલે વર્ગખંડમાં જ્ઞાનનો પ્રકાશ નહીં, પરંતુ ગુણવત્તાના અંધકારનો સામનો કરવો પડશે. હવે સમય આવી ગયો છે કે ડિગ્રીના દેખાવ કરતાં શિક્ષણની ગુણવત્તાને પ્રથમ સ્થાન આપવામાં આવે. ઉત્તમ શિક્ષક તૈયાર કરવાની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની બેદરકારી આખા રાષ્ટ્રના ભવિષ્ય સાથેનો અન્યાય છે.
સુરત – સાગર ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.