Vadodara

પંડ્યા બ્રિજ પર પડેલું ઓઈલ એક પરિવાર માટે યમદૂત સાબિત થયું

પંડ્યા બ્રિજ પાસે અકસ્માત, ઓઈલના કારણે સ્લીપ થઈ બાઈક, સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મહિલાનું મોત

ગોત્રી ખાતે રહેતા ૩૮ વર્ષીય કાંતાબેન રાવળ નું મોત નિપજ્યું

(પ્રતિનિધિ), વડોદરા. તા.૫

વડોદરા શહેરમાં રસ્તા પર બેદરકારીપૂર્વક ઢોળાયેલ ઓઈલ વાહનચાલકો માટે યમદૂત સમાન બની રહ્યું છે. શહેરના પંડ્યા બ્રિજ ઉતરતા પોલિટેકનિક કોલેજ પાસે રસ્તા પર ઢોળાયેલા ઓઈલને કારણે એક બાઈક સ્લીપ થઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગોત્રીના રાવળ પરિવારના ૩૮ વર્ષીય કાંતાબેન રાવળનું મોત નિપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગોત્રી વિસ્તારમાં આવેલી શ્રીજી વંદન સોસાયટીમાં રહેતા રવિ પ્રકાશભાઈ રાવળ, કાંતાબેન રાવળ અને જયપાલ રાવળ એક જ બાઈક પર સવાર થઈ કોઈ કામ અર્થે નીકળ્યા હતા. પરિવાર ગતરોજ પંડ્યા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ ઉતરતા સમયે પોલિટેકનિક કોલેજ નજીક રોડ પર અગાઉથી જ કોઈ વાહનમાંથી ઓઈલ ઢોળાયેલું હતું.

રસ્તા પર પડેલા ઓઈલના કારણે બાઈક અચાનક સ્લીપ ખાઈ ગઈ હતી, જેના કારણે બાઈક પર સવાર ત્રણેય સભ્યો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ત્રણેયને ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ત્રણેયને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓનો ભોગ બનેલા ૩૮ વર્ષીય કાંતાબેન રાવળની તબિયત લથડતા ફરજ પરના તબીબોએ તેમને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. જોકે, વધુ પડતી ઈજાઓને કારણે સારવાર દરમિયાન જ કાંતાબેને આજ રોજ સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને રોડ પર ઓઈલ ઢોળનાર જવાબદાર વાહનચાલકની શોધખોળ અને સીસીટીવી ફૂટેજ મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે. રસ્તા પર ઓઈલ ઢોળવાની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લેતા ચકચાર મચી જવા પામી છે.

Most Popular

To Top