એકવાર શાળા પસંદ કર્યા બાદ હુકમ રદ નહીં થાય; આખી નોકરીમાં માત્ર 2 વખત જ બદલીનો લાભ :
3 વર્ષ સુધી ફરી અરજી નહીં,16 જુલાઈ સુધીમાં ઓર્ડર મળશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.3
રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક સહાયકો અને મદદનીશ શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ ડીઈઓને ઓફલાઈન કેમ્પ યોજવા સૂચના અપાઈ છે.
4 જુલાઈથી બદલીની કાર્યવાહી શરૂ થશે અને 16 જુલાઈ 2026 સુધીમાં બદલીના ઓર્ડર આપી દેવાશે સમગ્ર પ્રક્રિયા ઓફલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. 4 જુલાઈએ 1 જુલાઈ, 2026ની સ્થિતિએ ખાલી જગ્યાઓની વિગતો શાળા મારફત તમામ શિક્ષકોને જાણ કરાશે. 7 જુલાઈ સુધીમા બદલી ઈચ્છુક શિક્ષકોએ આચાર્ય મારફત અરજી કરવાની રહેશે. 10 જુલાઈ સુધીમાં કામચલાઉ મેરિટ યાદી’ પ્રસિદ્ધ થશે. 13 જુલાઈ સુધીમાં વાંધા-અરજી સ્વીકારાશે. 14 જુલાઈએ આખરી મેરિટ યાદી’ જાહેર થશે. 16 જુલાઈએ આખરી મેરિટ યાદી અને ખાલી જગ્યા મુજબ બદલીના હુકમો અપાશે. શિક્ષકો પોતાની સ્વેચ્છાથી શાળા પસંદ કરતા હોવાથી, એકવાર ઓર્ડર થયા પછી કોઈ પણ સંજોગોમાં તે રદ થઈ શકશે નહીં. બદલીના હુકમ થયા બાદ સંબંધિત શાળાના આચાર્ય અને ડીઈઓ એ શિક્ષકને 7 કાર્યકારી દિવસમાં ફરજિયાતપણે છૂટા કરવાના રહેશે. દિવ્યાંગો માટેની ખાસ ભરતી પ્રક્રિયા ચાલુ હોવાથી, તે ખાલી જગ્યાઓ કેમ્પમાં દર્શાવાશે નહીં. સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ બે વખત જ આંતરિક બદલીનો લાભ મળશે અને એકવાર લાભ લીધા પછી સામાન્ય સંજોગોમાં આગામી 3 વર્ષ સુધી પુનઃ અરજી કરી શકાશે નહીં.