સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા કાંઠા વિસ્તારમાં આવેલી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં અન્ય રાજ્યોમાંથી આવતી ટેક્સી અને પ્રાઈવેટ ફોર વ્હીલર ગાડીઓના સંચાલનને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આ મુદ્દે સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બહારના રાજ્યોની અનેક યલો પ્લેટ ટેક્સી, મેક્સી કેબ તેમ જ પ્રાઈવેટ નંબર પ્લેટ ધરાવતી ગાડીઓ લાંબા સમયથી હજીરા વિસ્તારની કંપનીઓમાં નિયમોનું પાલન કર્યા વિના ભાડેથી ચલાવવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાત સરકાર અને આરટીઓ વિભાગને દર મહિને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના સંભવિત આવકના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં જણાવાયું છે કે હજીરા કાંઠા વિસ્તાર દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારોમાંનો એક છે. અહીં અનેક મોટી કંપનીઓ કાર્યરત હોવાથી રોજ હજારો કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોની અવરજવર રહે છે. આ કામગીરી માટે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ફોર વ્હીલર વાહનો પણ આવે છે. નિયમો મુજબ અન્ય રાજ્યમાંથી આવતી વ્યાવસાયિક યલો પ્લેટ ટેક્સી અને મેક્સી કેબને જરૂરી પરમિટ, બોર્ડર ટેક્સ અને અન્ય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જોકે રજૂઆત કરનારાઓનો આક્ષેપ છે કે અનેક વાહનો આ નિયમોનું પાલન કરતા નથી અને વર્ષોથી હજીરા વિસ્તારની કંપનીઓમાં સતત ભાડેથી સેવા આપી રહ્યા છે. અરજદારોના જણાવ્યા મુજબ જો આ પ્રકારના વાહનો દ્વારા જરૂરી ટેક્સ અને પરમિટની પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવતું હોય તો તેના કારણે રાજ્ય સરકારને આવકનું મોટું નુકસાન થઈ શકે છે. તેથી આરટીઓ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે આવા તમામ વાહનોની તપાસ કરવી જોઈએ. ખાસ કરીને વાહનોના પરમિટ, ટેક્સની ચુકવણી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ સહિતના તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં વધુ એક ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે છેલ્લા લગભગ પાંચ વર્ષથી અન્ય રાજ્યોની પ્રાઈવેટ નંબર પ્લેટ ધરાવતી ફોર વ્હીલર ગાડીઓ પણ ગેરરીતે વ્યાવસાયિક ઉપયોગમાં લેવામાં આવી રહી છે. સામાન્ય રીતે પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ વ્યક્તિગત હેતુ માટે જ થઈ શકે છે, જ્યારે ભાડેથી મુસાફરો અથવા કર્મચારીઓના પરિવહન માટે તેનો ઉપયોગ કરવો નિયમો વિરુદ્ધ ગણાય છે. અરજદારોનો દાવો છે કે હજીરા વિસ્તારની કેટલીક કંપનીઓમાં આવી ગાડીઓ મોટા પ્રમાણમાં ચાલી રહી છે, જેના કારણે નિયમોનું પાલન કરતા સ્થાનિક વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે હજીરા કાંઠા વિસ્તારમાં કાર્યરત તમામ કંપનીઓમાં બહારના રાજ્યોમાંથી આવતી યલો પ્લેટ અને પ્રાઈવેટ બંને પ્રકારની ગાડીઓની સઘન તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન કોઈ વાહન નિયમોનો ભંગ કરતું હોવાનું સામે આવે તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરીને વાહનો ચલાવનાર માલિકો અને ડ્રાઈવરો સામે પણ જરૂરી કાનૂની પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે આ મુદ્દો માત્ર ટેક્સ અથવા પરમિટનો નથી, પરંતુ રાજ્યના નિયમોનું પાલન થાય અને તમામ વાહન સંચાલકો માટે સમાન વ્યવસ્થા જળવાઈ રહે તે પણ એટલું જ મહત્વનું છે. જો કોઈ વાહન નિયમોનું પાલન કર્યા વિના લાંબા સમય સુધી વ્યાવસાયિક રીતે ચાલતું હોય તો તેનો સીધો અસર સ્થાનિક ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પણ પડે છે.
રજૂઆતમાં અધિકારીઓને 15 દિવસની અંદર યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અરજદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આંદોલન કરવાની ફરજ પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે, તેવી પણ રજૂઆતમાં નોંધ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ ડીસીબી ટ્રાફિકના અધિકારી, હજીરા પોલીસ સ્ટેશન તેમ જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પણ મોકલવામાં આવી છે, જેથી તમામ સંબંધિત વિભાગો આ મુદ્દે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરી શકે. જોકે રજૂઆતમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો અરજદારોના દાવા પર આધારિત છે. આ અંગે સંબંધિત આરટીઓ, પોલીસ વિભાગ અથવા કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે સંબંધિત વિભાગો તપાસ બાદ શું કાર્યવાહી કરે છે તે ડોવાનું રહ્યું.