Vadodara

VMCમાં ‘VRS બોમ્બ’! એકસાથે 5 ક્લાસ-1 અને 2 અધિકારીઓની એક્ઝિટથી વહીવટી તંત્રમાં ખળભળાટ

સ્ટાફની અછત વચ્ચે જવાબદાર અધિકારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજીઓથી વિકાસકામો અને જનસુવિધાઓ પર અસરની આશંકા

વડોદરા, તા. 2
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના વહીવટી તંત્રમાં એક ચોંકાવનારી સ્થિતિ ઊભી થઈ છે. વિવિધ વિભાગોના પાંચ ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓએ એકસાથે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માટે અરજી કરતાં કોર્પોરેશનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પહેલેથી જ સ્ટાફની અછત અને ઇન-ચાર્જ વ્યવસ્થા વચ્ચે ચાલતા પાલિકા તંત્ર માટે આ ઘટનાએ નવી ચિંતાઓ ઊભી કરી છે.
સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરનાર અધિકારીઓમાં સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ, આસિસ્ટન્ટ રેવન્યુ ઓફિસર મનોજ ક્રિશ્ચિયન, વોર્ડ નં. 17ના વોર્ડ ઓફિસર મહેશ પટેલ, વોર્ડ નં. 18ના રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર તેમજ વોર્ડ નં. 16ના વોર્ડ ઓફિસર અને રેવન્યુ ઓફિસર પરાગ મોદીનો સમાવેશ થાય છે. દેવાંગ ભટ્ટ હાલમાં તાલીમ અને ખાતાકીય તપાસ સહિતના વધારાના મહત્વના વિભાગોનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે.
અધિકારીઓએ પોતાની અરજીઓમાં કૌટુંબિક અને પારિવારિક કારણો દર્શાવ્યા છે. જોકે, પાલિકા વર્તુળોમાં એવી ચર્ચા છે કે લાંબા સમયથી સ્ટાફની અછતને કારણે અધિકારીઓ પર કામનો અસહ્ય બોજ વધી ગયો હતો, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે.
જો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ આ પાંચેય અધિકારીઓની VRS મંજૂર કરવામાં આવશે, તો કોર્પોરેશનનું વહીવટી માળખું વધુ નબળું બનવાની શક્યતા છે. હાલ પણ અનેક વિભાગો કાયમી અધિકારીઓના અભાવે ઇન-ચાર્જ વ્યવસ્થા હેઠળ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં અનુભવી અધિકારીઓની એકસાથે વિદાયથી વિકાસકામો, પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરને અપાતી આવશ્યક સેવાઓ પર સીધી અસર પડી શકે છે.
આ સમગ્ર મામલાને લઈને પાલિકાના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે મનોમંથન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top