VIRAL

સેલિબ્રિટીના યુઝરનેમ કોઈ બીજાએ લીધાના દાવા ખોટા: વોટ્સએપનો ખુલાસો

વોટ્સએપના નવા ‘યુઝરનેમ’ ફીચરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ટેક વર્લ્ડમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અનેક જાણીતા લોકો અને સંસ્થાઓએ દાવો કર્યો હતો કે તેમના નામના યુઝરનેમ અથવા તેના વિવિધ વેરિએશન પહેલેથી જ કોઈએ રિઝર્વ કરી લીધા છે. જોકે હવે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે જાણીતી હસ્તીઓ, સરકારી સંસ્થાઓ અને વેરિફાઈડ એકાઉન્ટ્સના યુઝરનેમ માત્ર તેમના કાયદેસરના માલિકો માટે જ સુરક્ષિત રાખવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા મોકલાયેલી નોટિસના જવાબમાં મેટાએ જણાવ્યું કે, યુઝરનેમ ફીચરને લઈને ઓનલાઈન છેતરપિંડી અથવા નકલી એકાઉન્ટ્સ વધવાની આશંકા હાલ આધારવિહોણી છે. કંપનીએ કહ્યું કે આ ફીચર હજુ સુધી લોન્ચ થયું નથી અને વર્ષના અંત સુધીમાં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે.

મેટાના જણાવ્યા અનુસાર, ઓળખની ચોરી રોકવા માટે કંપનીએ અનેક સુરક્ષા વ્યવસ્થાઓ તૈયાર કરી છે. તેમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ, સરકારી વિભાગો, વેરિફાઈડ મેટા એકાઉન્ટ્સ અને પ્રખ્યાત બ્રાન્ડ્સના નામ પહેલેથી જ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એટલે કે, કોઈ અન્ય વ્યક્તિ આ નામો પોતાના યુઝરનેમ તરીકે પસંદ કરી શકશે નહીં. એટલું જ નહીં, જાણીતા નામોને મળતા આવતા ઘણા વેરિએશન પણ સિસ્ટમ દ્વારા સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેથી કોઈ વ્યક્તિ ભ્રામક ઓળખ ઉભી ન કરી શકે. વોટ્સએપે વધુમાં જણાવ્યું કે, યુઝરનેમનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. એપનો ઉપયોગ કરવા માટે અગાઉની જેમ મોબાઇલ નંબર જરૂરી રહેશે. યુઝરનેમ ફક્ત વધારાની સુવિધા તરીકે ઉપલબ્ધ રહેશે અને તે ફરજિયાત નહીં હોય. કંપનીએ સુરક્ષા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, કોઈ વ્યક્તિ તમારા યુઝરનેમનો અંદાજ લગાવવાનો વારંવાર પ્રયાસ કરશે તો તેની પ્રવૃત્તિને સિસ્ટમ આપમેળે બ્લોક કરી દેશે. ઉપરાંત, જો કોઈ અજાણી વ્યક્તિ પહેલી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરશે તો યુઝરને ચેતવણી પણ આપવામાં આવશે. કંપની એવી ટેક્નોલોજી પર પણ કામ કરી રહી છે જે ઓળખની ચોરી અથવા ફીચરના દુરુપયોગને ઝડપથી ઓળખીને તેને રોકી શકે.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે તેમના નામ તેમ જ તેમની પાર્ટી સાથે જોડાયેલા ઘણા યુઝરનેમ પહેલેથી જ રિઝર્વ થઈ ગયા છે. ત્યારબાદ મોબીક્વિકના સીઈઓ બિપિન પ્રીત સિંહ સહિત અન્ય જાણીતી વ્યક્તિઓએ પણ આવા જ દાવા કર્યા હતા. આ પછી સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ્સ અને ઓનલાઈન ફ્રોડ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બુધવારે મેટાને નોટિસ મોકલી હતી અને યુઝરનેમ ફીચરનો અમલ હાલ માટે અટકાવવા જણાવ્યું હતું. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે વોટ્સએપ સહિત તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સે ભારતના આઈટી કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારની નોટિસ બાદ વોટ્સએપે એક વિગતવાર FAQ પણ જાહેર કર્યું છે, જેમાં યુઝર્સના વિવિધ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. કંપનીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે યુઝરનેમ ફીચર હજુ લાઈવ નથી અને તે લોન્ચ થાય તે પહેલાં તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવશે.

આ દરમિયાન કેન્દ્ર સરકારે પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે. વોટ્સએપ બાદ હવે ટેલીગ્રામ અને સિગ્નલ જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્સને પણ નોટિસ મોકલવામાં આવી છે. આઈટી મંત્રાલયે બંને પ્લેટફોર્મ પાસેથી તેમના યુઝરનેમ ફીચર અંગે વિગતવાર માહિતી માગી છે. ખાસ કરીને ફ્રોડ, નકલી એકાઉન્ટ અને ઓળખની ચોરી અટકાવવા માટે કયા સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે તે અંગે જવાબ માંગવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ટેલીગ્રામને પૂછ્યું છે કે તેના યુઝરનેમ ફીચરને ચાલુ રાખવાની જરૂરિયાત શું છે અને તેનાથી યુઝર્સની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. સરકાર હવે તમામ મોટા મેસેજિંગ પ્લેટફોર્મ્સના યુઝરનેમ ફીચરની સમીક્ષા કરી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી અથવા ઓળખની ચોરીને સમયસર રોકી શકાય.

Most Popular

To Top