Vadodara

ભાયલી ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, દારૂની મહેફિલ માણનાર છ આરોપીની ધરપકડ

મિત્રોએ રિવોલ્વર ચાલે છે તેમ કહી ઉશ્કેરતા
મેહુલ ગઢવીએ નશામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ

અશ્વમેઘ એવન્યુની ઓફિસમાંથી ફાયરિંગ કરતા અરેના 48 ના બે ફ્લેટમાં ગોળી ઘુસી, બે પરિવાર સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો

વડોદરા તા.3

ભાયલી ખાતે પ્રિયા સિનેમા ચાર રસ્તા નજીક આવેલા એરીના-48 ફ્લેટમાં થયેલા બે રાઉન્ડ ફાયરિંગના ગંભીર બનાવનો વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. દારૂની પાર્ટી દરમિયાન રિવોલ્વર ચાલુ છે તેમ કહી ઉશ્કેરતા અમદાવાદના મેહુલ ગઢવીએ બારીમાંથી સામેની સાઈડ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સ્થાનિક પોલીસ અને એલસીબી, એસઓજી સહિતની વિવિધ ટીમમાં એક્શનમાં આવી 6 આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસે આવેલા અરેના 48 ફ્લેટ માં રાત્રિના સમયે ફ્લેટ નંબર 201 અને 301 માં ફાયરિંગ થયું હતું જેના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રૂમના કાચના સ્લાઇડર પર બહારથી ગોળી વાગતા જાનથી મારી નાખવાના પ્રયાસની ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.એલસીબી, એસઓજી અને વડોદરા તાલુકા પોલીસની અલગ-અલગ ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગોળી નજીક આવેલી અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગમાંથી છોડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. એફએસએલની મદદથી લેઝર સહિતના સાધનો વડે તપાસ કરતાં ચોથા માળે આવેલી ઓફિસ નંબર-08 અને 09 શંકાના દાયરામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ ઓફિસમાં છ મિત્રો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે મહેફિલ દરમિયાન થયેલી ઉશ્કેરાટભરી બોલાચાલી વચ્ચે મેહુલ મહેન્દ્ર ગઢવી (રહે. સોકલી ગામ, તા. વિરમગામ, જિ. અમદાવાદ)એ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. તે ગોળી નજીકના એરીના-48 ફ્લેટમાં જઈ પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાસમયે ઓફિસમાં કુલ છ વ્યક્તિઓ હાજર હતા. સમગ્ર મામલે આરોપીને ઝડપી લઈ અન્ય હાજર લોકોની ભૂમિકા અંગે પણ વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top