દાહોદ તા 5
દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં લગ્નના સપના બતાવી ભોળા યુવક અને તેના પરિવાર ને લાખોની છેતરપીંડીનો ભોગ બનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
“લૂટેરી દુલ્હન” અને દલાલોના ગૂંચવણભર્યા જાળમાં ફસાઈ એક પરિવારે પોતાના જમાપૂંજીના ₹2.40 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે. ફરિયાદ મુજબ, ઝાલોદના હિતેશકુમાર પંચાલ માટે લગ્ન માટે છોકરી શોધતા હતા ત્યારે રણીયાર ગામના કૃષ્ણકાંત ઉર્ફે કીશનભાઈ પટેલ નામના દલાલે મધ્યપ્રદેશમાં છોકરી હોવાની વાત કરી સંપર્ક સાધ્યો હતો. વિશ્વાસમાં લઈ પરિવાર ને મનાવર અને કુક્ષી સુધી લઈ જઈ યુવતી “મમતા ચૌહાણ” બતાવવામાં આવી હતી.

દલાલ : કૃષ્ણકાંત પટેલ ( રણીયાર)
યુવતી પસંદ પડતાં “વ્યવહાર”ના નામે ₹2.40 લાખમાં લગ્ન નક્કી કરાયા. પહેલા બાના તરીકે રૂપિયા લેવાયા, પછી લગ્ન ખર્ચના બહાને વધુ રકમ ઉઘરાવી લેવામાં આવી. આખરે એક અજાણ્યા ગામમાં ફક્ત ફુલહાર પહેરાવી નકલી લગ્નવિધિ કરાવી દેવામાં આવી.

દલાલ : તરુણ ( mp )
*બે દિવસ પ્રેમ, ત્રીજા દિવસે પ્લાન તૈયાર!*
લગ્ન બાદ યુવતી બે દિવસ સુધી સાસરે રહી, ઘરનો માહોલ અને પરિવારની સ્થિતિ જાણી. ત્યારબાદ “કાકાને અકસ્માત થયો છે” એવી ખોટી કહાની ગૂંથી પિયર જવાની વાત કરી. ફરિયાદી યુવક તેને લઈને મધ્યપ્રદેશ ગયો, જ્યાં બસ સ્ટેન્ડ પર એક અજાણ્યો શખ્સ બાઈક લઈને આવ્યો અને યુવતીને સાથે લઈ ગયો. ત્યારથી દુલ્હન ગાયબ અને ફોન બંધ!

ભોગ બનનાર : હિતેશ પંચાલ
*રૂપિયાની માયા, ભોળા લોકો અને સક્રિય દલાલો*
આ સમગ્ર ઘટનામાં સ્પષ્ટ થાય છે કે લગ્નની ઉતાવળ અને જીવન સાથીની ઈચ્છાનો ફાયદો ઉઠાવી કેટલાક દલાલો અને ઠગ ટોળકીઓ ભોળા લોકો ને નિશાન બનાવી રહ્યા છે. યુવતીનો આધારકાર્ડ બતાવી વિશ્વાસ જીતવાનો પ્રયાસ પણ આ ગેંગની પૂર્વયોજિત ચાલ હોવાનું માનવામાં આવે છે.
લગ્નના સપના બન્યા છેતરપીંડીનું જાળ
સમાજમાં વધતી આવી ઘટનાઓ હવે ચેતવણી સમાન બની રહી છે. પૈસા લઈને લગ્ન ગોઠવતા દલાલો સામે કડક કાર્યવાહી અને લોકોમાં જાગૃતિ લાવવી સમયની માંગ બની છે.
હાલ ઝાલોદ પોલીસ ફરિયાદના આધારે કૃષ્ણકાંત પટેલ, બાબુલાલ પાટીદાર, તરૂણ અને “મમતા” નામની યુવતી સહિત તમામ સંડોવાયેલા લોકોની શોધખોળમાં લાગી છે. તપાસ આગળ વધતા વધુ ભોગ બનનાર લોકો બહાર આવે તેવી પણ શક્યતા છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ