Vadodara

તરસાલીની શિવમ રેસીડેન્સીમાં નવપરણિતાનો આપઘાત, પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૪

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી શિવમ રેસીડેન્સીમાં એક કરૂણ ઘટના સામે આવી છે, જેમાં એક નવપરણિતાએ ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના થોડા જ સમયમાં પુત્રીના આત્મહત્યાના સમાચાર મળતા જ મૃતક નવપરણિતાના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને સાસરી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

મૃતક યુવતી નેહાના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નેહાના લગ્ન વડોદરાના રહેવાસી કાર્તિક જોષી સાથે થયા હતા. લગ્ન બાદ થોડા સમયમાં જ પતિ કાર્તિકે નેહાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરિજનોનો દાવો છે કે, પતિ દ્વારા આપવામાં આવતા આ ત્રાસથી કંટાળીને જ નેહાએ જીવન ટૂંકાવવા જેવું અંતિમ અને આત્મઘાતી પગલું ભર્યું છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. સમગ્ર મામલે પરિજનોએ સાસરીયાઓ પર આંગળી ચીંધી છે, ત્યારે હવે પોલીસ તપાસમાં જ નેહાના આત્મહત્યા પાછળના અસલી કારણો અને સત્ય હકીકત બહાર આવશે. હાલ પોલીસ દ્વારા પતિ કાર્તિક અને અન્ય પરિવારજનોની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને ન્યાયની માંગ સાથે મૃતકના પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top