National

કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: સિયા પાસે બીજો મોબાઈલ મળ્યો, કોડવર્ડમાં થતી હતી વાતચીત

પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં તપાસ આગળ વધતાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે પોલીસને આરોપી સિયા ગોયલ પાસેથી વધુ એક મોબાઈલ ફોન મળ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સિયા અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી એકબીજા સાથે સામાન્ય ભાષામાં નહીં, પરંતુ કોડવર્ડ અને સાંકેતિક સંદેશાઓ દ્વારા વાતચીત કરતા હતા. આ નવા પુરાવા મળ્યા બાદ તપાસ વધુ ગંભીર બની છે. શુક્રવારે પુણેની વડગાંવ અદાલતે સિયા ગોયલ અને ચેતન ચૌધરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. હવે બંનેને યરવડા જેલમાં રાખવામાં આવશે. પોલીસે બંનેની વધુ પૂછપરછ માટે કસ્ટડી વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને આરોપીઓએ નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જજ એ.એમ. વિભૂતેએ જણાવ્યું હતું કે આરોપીઓની સંમતિ વિના આવા ટેસ્ટ કરાવી શકાય નહીં. તેથી હાલ આ પ્રકારની કોઈ તપાસ કરવામાં આવશે નહીં. પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરાયેલો મોટો ડેટા ફરીથી મેળવવામાં સફળતા મળી છે. આ ડેટામાં બંને વચ્ચે થયેલી અનેક ચેટ મળી આવી છે. જોકે, આ ચેટ સામાન્ય ભાષામાં નહીં પરંતુ કોડવર્ડ, નિકનેમ અને અલગ-અલગ ઇમોજીના ઉપયોગ સાથે કરવામાં આવી હતી. હવે આ કોડવર્ડનો અર્થ જાણવા માટે સાયબર અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.

તપાસ દરમિયાન પોલીસને સિયાના ઘરેથી વધુ એક મોબાઈલ ફોન પણ મળ્યો છે, જેને છુપાવીને રાખવામાં આવ્યો હતો. આ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસને આશા છે કે આ ફોનમાંથી હત્યાના કાવતરાને લગતા વધુ મહત્વના પુરાવા મળી શકે છે. આ કેસમાં વધુ એક મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને ત્રીજા વ્યક્તિની સંડોવણી હોવાની શંકા ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી એક યુવકને કસ્ટડીમાં લીધો છે. આ યુવક બાલેવાડીની એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ, સિયા અને ચેતનમાંથી કોઈ એકે આ યુવક સાથે હત્યાના પ્લાન અંગે ચર્ચા કરી હતી. જોકે, હાલમાં પોલીસ દ્વારા તેની સત્તાવાર ભૂમિકા જાહેર કરવામાં આવી નથી. શક્યતા છે કે તપાસમાં સહકાર મળે તો તેને સાક્ષી બનાવવામાં આવે.

પોલીસના દાવા મુજબ, કેતન અગ્રવાલની હત્યા કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ લાંબા સમયથી ઘડાયેલું કાવતરું હતું. તપાસમાં સામે આવ્યું છે કે 31 મેના રોજ સિયાએ પ્રથમ વખત કેતનની હત્યાનો વિચાર કર્યો હતો. કેતનને ટ્રેકિંગનો ખૂબ શોખ હોવાથી તે વારંવાર લોહગઢ કિલ્લા પર જતો હતો. આ જ સ્થળે હત્યાનું કાવતરું ઘડાયું હોવાનું પોલીસ માની રહી છે. ત્યારબાદ 5 જૂને સિયાએ ફરી એક વખત કેતનને લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે કેતન તૈયાર થયો નહોતો. પોલીસના જણાવ્યા મુજબ, બાલી પ્રવાસ રદ થાય તે માટે સિયાએ કેતનનો પાસપોર્ટ પણ છુપાવી દીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, 14 જૂને સિયાએ બીજી વખત કેતનને લોહગઢ લઈ જઈને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઝાડનો ટેકો મળતા કેતન બચી ગયો હતો. જ્યારે કેતને સિયાને ધક્કો મારવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે નજીકમાં સાપ હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો. કેતને ઘરે જઈને પરિવારને પણ કહ્યું હતું કે સિયાએ તેનો જીવ બચાવ્યો. આખરે 18 જૂને પોલીસના જણાવ્યા મુજબ સિયા અને ચેતને મળીને હત્યાના કાવતરાને અંજામ આપ્યો. 19 જૂને સિયાનો જન્મદિવસ હોવાથી કેતને મહાબળેશ્વરમાં ઉજવણીનું આયોજન કર્યું હતું. પરંતુ તે પહેલાં પ્રી-વેડિંગ ફોટોશૂટના બહાને સિયાએ તેને ફરી લોહગઢ કિલ્લા પર લઈ જવા માટે મનાવ્યો. પોલીસનો આરોપ છે કે ત્યાં ચેતન પહેલેથી હાજર હતો. જ્યારે કેતન ખીણ તરફ જોઈ રહ્યો હતો ત્યારે બંનેએ પાછળથી ધક્કો મારી દીધો, જેના કારણે તેનું મોત થયું.

હાલ પોલીસે કેસની તમામ કડીઓ જોડવાનું કામ તેજ કર્યું છે. મોબાઈલ ડેટા, કોડવર્ડવાળી ચેટ, નવા મળેલા ફોન અને સંભવિત ત્રીજા વ્યક્તિની ભૂમિકાની તપાસના આધારે કેસ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય ડિજિટલ પુરાવા સામે આવ્યા બાદ આ ચર્ચિત હત્યા કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top