પીએમ મોદીને ઓસ્ટ્રેલિયાની મુલાકાત અંગે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ આ ધમકીની તપાસ કરી રહી છે. ધ ઓસ્ટ્રેલિયા ટુડે ના અહેવાલ મુજબ “મેલબોર્ન મીટ્સ મોદી” કાર્યક્રમનો પ્રચાર કરતી ફેસબુક પોસ્ટના ટિપ્પણી વિભાગમાં આ ધમકી વાળી પોસ્ટ કરવામાં આવી હતી.
અબુ મુસ્તફા નામના ફેસબુક યુઝરે પોસ્ટ નીચે લખ્યું: “કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રાખવી જોઈએ નહીં તો, તે ઓસ્ટ્રેલિયામાં મૃત્યુ પામવા આવશે.” તપાસ એજન્સીઓએ પોસ્ટ સાથે સંકળાયેલ IP સરનામું ઓળખી કાઢ્યું છે.
મોદી 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવાના છે. “મેલબોર્ન મીટ્સ મોદી” કાર્યક્રમ 9 જુલાઈના રોજ મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાવાનો છે અને મોદી હાજરી આપે તેવી અપેક્ષા છે. ધમકી પ્રકાશમાં આવતાની સાથે જ અધિકારીઓએ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને જાણ કરી.
અત્યાર સુધી પોલીસે ધમકી અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, કે કોઈ ધરપકડની પુષ્ટિ કરી નથી. મીડિયા અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, રાજ્ય પોલીસ અને ખાસ સુરક્ષા એકમો સહિત અનેક એજન્સીઓ વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ કરશે.
મોદી ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે ‘લીડર્સ’ સમિટ’ યોજશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેઓ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીસ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને મેલબોર્નમાં ‘લીડર્સ’ સમિટ’માં ભાગ લેશે.