બોડી કોર્પોરેટને મંજૂરી મળતા ટ્રસ્ટ-સોસાયટીની ફરજિયાત શરત હટશે :
જમીન અને પ્લેગ્રાઉન્ડના નિયમોમાં પણ મોટી રાહત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.4
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ખાનગી શાળાઓના જોડાણ માટેના નિયમો હળવા કરવા જઈ રહ્યું છે. નવા ડ્રાફ્ટ મુજબ હવે કોઈપણ બોડી કોર્પોરેટનએટલે કે પ્રાઇવેટ કંપની, એલએલપી, ઓપીસી સહિતની કાનૂની સંસ્થાઓ પણ સીબીએસઈ સ્કૂલ શરૂ કરી શકશે.
અત્યાર સુધી માત્ર સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટ અથવા સેક્શન-8 કંપની દ્વારા જ સીબીએસઈ સ્કૂલ ખોલી શકાતી હતી. નોટ ફોર પ્રોફિટના અભિગમને કારણે રેગ્યુલર પ્રાઇવેટ કંપનીને મંજૂરી નહતી. જોડાણ માટે જરૂરી રાજ્યનું એનઓસી સર્ટિફિકેટ 2026-27થી નાબૂદ કરાશે. અરજી બાદ 30 દિવસમાં રાજ્યનો વાંધો નહીં આવે તો એનઓસી મંજૂર ગણાશે. બિન-શહેરી વિસ્તારમાં સિનિયર સેકન્ડરી સ્કૂલ માટે 6000 ચો.મી. જ્યારે, શહેરી વિસ્તારમાં સેકન્ડરી માટે 1600 ચો.મી. અને સિનિયર સેકન્ડરી માટે 2400 ચો.મી. જમીન પૂરતી રહેશે. અગાઉ આ મર્યાદા 3200-4000+ ચો.મી. હતી. હવે કેમ્પસમાં 2000 ચો.મી.નું મેદાન ફરજિયાત નથી. કેમ્પસથી 200 મીટરના અંતરે પબ્લિક પાર્ક, સ્ટેડિયમ કે કોલેજનું મેદાન 15 વર્ષના લીઝ પર લઈ શકાશે. સીબીએસઈનો આ નિર્ણય નેપ 2020 અને કેન્દ્રની ડિરેગ્યુલેશન નીતિ સાથે સુસંગત છે. ગુણવત્તાયુક્ત શાળાઓ ખોલવા અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે આ પગલું ભરાયું છે. સીબીએસઈ સ્કૂલોની દેશભરમાં વધતી માંગને પહોંચી વળવા આ સુધારા કરાયા છે. બોર્ડે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક દ્વારા સેલ્ફ રિપોર્ટિંગ સિસ્ટમ પણ દાખલ કરી છે.