વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના પ્રવાસ દરમિયાન અનેક વિકાસકાર્યોને દેશને સમર્પિત કર્યા. તેમણે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું, ‘ઉડાન 2.0’ યોજનાની શરૂઆત કરાવી અને બાલોતરાના પચપદરા ખાતે દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત જયપુર મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ શિલાન્યાસ પણ કર્યું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને વૈશ્વિક યુદ્ધ, ઊર્જા સંકટ, ભારતની વિદેશ નીતિ, નર્મદા પાણી વિતરણ અને વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત વાત કરી. પચપદરા રિફાઇનરીના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં થયેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થયું હતું. અનેક મોટા દેશોને ઈંધણની અછત અને વધતા ભાવનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભારતે સમયસર યોગ્ય નિર્ણયો લઈને આ મુશ્કેલીને સફળતાપૂર્વક પાર કરી હતી. તેમણે જણાવ્યું કે અગાઉ ભારત લગભગ 25થી 26 દેશોમાંથી કાચું તેલ આયાત કરતું હતું, પરંતુ યુદ્ધ દરમિયાન કેટલાક માર્ગો અને સપ્લાય પર અસર થતાં સરકારે પોતાની વ્યૂહરચના બદલી. ભારતે કુલ 40 દેશોમાંથી તેલની આયાત કરીને પુરવઠો જાળવી રાખ્યો. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, આ ભારતની મજબૂત વિદેશ નીતિ અને અન્ય દેશો સાથેના સારા સંબંધોનું પરિણામ છે.
મોદીએ કહ્યું કે જો સરકાર સમયસર યોગ્ય આયોજન ન કર્યુ હોત, તો રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત લગભગ 2,000 સુધી પહોંચી ગઈ હોત. પરંતુ સારા મેનેજમેન્ટ અને યોગ્ય નિર્ણયોને કારણે સામાન્ય લોકોને આજે પણ સિલિન્ડર લગભગ 950ની આસપાસ મળી રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે એપ્રિલથી જૂન દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રિત રાખવા માટે સરકારી તેલ કંપનીઓને લગભગ 75,000 કરોડનું નુકસાન થયું હતું, જેની ભરપાઈ સરકારે કરી હતી. પચપદરા રિફાઇનરી અંગે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું કે આ માત્ર એક ઔદ્યોગિક પ્રોજેક્ટ નથી, પરંતુ રાજસ્થાનના વિકાસનું નવું કેન્દ્ર બનશે. આ રિફાઇનરી દેશની સૌથી આધુનિક રિફાઇનરીઓમાંની એક છે અને ભવિષ્યમાં પેટ્રોલિયમ ઉપરાંત પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટથી હજારો લોકોને સીધી અને પરોક્ષ રીતે રોજગારી મળશે તેમજ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે 20 એપ્રિલે રિફાઇનરીના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ અને વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટમાં આગ લાગવાને કારણે ઉદ્ઘાટન કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો. જોકે, અકસ્માત બાદ ઝડપથી સમારકામ પૂર્ણ કરીને હવે રિફાઇનરી કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાને કર્મચારીઓ અને એન્જિનિયરોના કામની પ્રશંસા કરતાં કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો હોય, નવું ભારત પોતાના સંકલ્પથી ક્યારેય પાછળ હટતું નથી. રાજસ્થાનમાં પાણીના મુદ્દે પણ વડાપ્રધાને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા, ત્યારે કોઈ વિવાદ કે સંઘર્ષ વગર ગુજરાતમાંથી રાજસ્થાન સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે કામ કરે છે અને રાજકીય મતભેદો કરતાં લોકોના હિતને વધુ મહત્વ આપે છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ રાજસ્થાનના પાણી અને વિકાસના પ્રશ્નોને યોગ્ય પ્રાથમિકતા આપી નહોતી, જ્યારે ભાજપ સરકાર માત્ર શિલાન્યાસ કરીને અટકતી નથી, પરંતુ પ્રોજેક્ટને પૂર્ણ પણ કરે છે. તેમણે જણાવ્યું કે વિકાસના કામોને સમયસર પૂર્ણ કરવાનું ભાજપ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને ‘ઉડાન 2.0’ યોજનાની શરૂઆત પણ કરાવી. આ યોજના હેઠળ દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોની હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે નવા એરપોર્ટ, હેલિપેડ અને એરસ્ટ્રિપ્સ વિકસાવવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં દેશભરમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ વિકસાવવાની યોજના છે.
પચપદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુવાનોને નિમણૂક પત્રો પણ આપ્યા અને રિફાઇનરીમાંથી પ્રથમ ઈંધણના ટેન્કરોને લીલીઝંડી બતાવીને રવાના કર્યા. તેમણે રિફાઇનરીના કંટ્રોલ રૂમની મુલાકાત લઈને એન્જિનિયરો પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી તેમજ પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું. વડાપ્રધાને અંતમાં કહ્યું કે ભારત આજે આત્મનિર્ભરતા અને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. વૈશ્વિક પડકારો વચ્ચે પણ દેશે પોતાની અર્થવ્યવસ્થા, ઊર્જા સુરક્ષા અને વિકાસની ગતિ જાળવી રાખી છે, જે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ સમાન છે.