બે દિવસથી સતત રૂબરૂ બોલાવી માનસિક દબાણ કરાતું હોવાની ચર્ચા; નડિયાદ ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, તંત્રમાં દોડધામ

નડિયાદ: ખેડા જિલ્લાના વસોમાં એક સરકારી અનાજની દુકાન સંભાળતા દુકાનદારે પુરવઠા મામલતદારના કથિત ત્રાસથી કંટાળી 80 ફૂટ ઊંડા કુવામાં મોતની છલાંગ લગાવી હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અલિન્દ્રાના મનુભાઈ સોલંકી છેલ્લા બે દિવસથી મામલતદાર દ્વારા વારંવાર રૂબરૂ બોલાવી માનસિક દબાણ કરવામાં આવતું હોવાની ચર્ચા વચ્ચે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. કુવામાં પાણી અને કાદવ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે, છતાં ફાયરની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. ઘટનાની માહિતી મળતા પુરવઠા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
જોકે, સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ખેડા જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારઘીએ જણાવ્યું છે કે સમગ્ર મામલે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને સંપૂર્ણ વિગતો મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા કરવામાં આવશે.