Vadodara

ફીજીથી બેસીને વેપારીના મર્ડરની સોપારી! વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ

સ્ટીલ કંપનીના માલિક જય દયાલે નાણાકીય અદાવતમાં વિક્રમ મારફતે શાર્પ શૂટર રાખ્યો; છત્તીસગઢથી બે આરોપી ઝડપાયા, મુખ્ય સૂત્રધાર વિદેશમાં

વડોદરા, તા. 4
વડોદરા જિલ્લાના વાઘોડિયા ચોકડી પાસે વેપારી પર થયેલા જીવલેણ ફાયરિંગ કેસમાં વડોદરા ગ્રામ્ય પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી બે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું બહાર લાવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફીજીમાં રહેતા સ્ટીલ કંપનીના માલિક જય દયાલે જૂની નાણાકીય અદાવતને લઈને વેપારીની હત્યાની સોપારી આપી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે ઇજાગ્રસ્ત વેપારી આશિષકુમાર મદનલાલ બાકોલિયા અગાઉ દયાલ સ્ટીલ કંપનીમાં ફાઇનાન્સ મેનેજર તરીકે કાર્યરત હતા. તે દરમિયાન કંપનીના માલિક જય દયાલ સાથે નાણાકીય હિસાબ બાબતે વિવાદ થયો હતો. આ અદાવત રાખીને જય દયાલે વિક્રમ પ્રતાપ ગોપીચંદ્ર સિંહને વેપારીની હત્યા કરવાની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ વિક્રમે પોતાના સાથી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુરજીતસિંહ ગુરુદયાલસિંહ ભટ્ઠીને રૂ. 50 હજારની લાલચ આપી ફાયરિંગ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગત 26 જૂનની રાત્રે આશિષકુમાર બાકોલિયા પોતાની ગારમેન્ટ્સની દુકાન બંધ કરી ટાટા પંચ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે વાઘોડિયા ચોકડી પાસે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમની કારની બાજુમાં આવી ગોળીબાર કર્યો હતો. હુમલામાં તેમના જમણા ખભામાં ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે વરણામા પોલીસ મથકે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે એલસીબી, એસઓજી અને વરણામા પોલીસ સહિત આશરે 10 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન 2,000થી વધુ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓની ઓળખ વિક્રમ પ્રતાપ ગોપીચંદ્ર સિંહ અને ગુરજીતસિંહ ગુરુદયાલસિંહ ભટ્ઠી (રહે. ભિલાઈ, દુર્ગ, છત્તીસગઢ) તરીકે થઈ હતી.
તપાસમાં જાણવા મળ્યું કે બંને આરોપીઓ હુમલા પહેલાં અનેક વખત વડોદરા આવી વેપારીની રેકી કરી ચૂક્યા હતા. તેઓ પોતાની બાઇક વડોદરા રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મૂકી ટ્રેન મારફતે છત્તીસગઢ પરત ફરતા હતા. એક આરોપી વિદેશ ભાગી જવાની તૈયારીમાં હોવાનું સામે આવતા પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી. ત્યારબાદ વડોદરા ગ્રામ્ય પોલીસની ટીમોએ દુર્ગ પોલીસની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું છે કે ફીજીમાં રહેતા જય દયાલે વેપારીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પોલીસે હવે મુખ્ય સૂત્રધાર જય દયાલ સામે કાયદેસરની કાર્યવાહી અને તેની ધરપકડ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2,000થી વધુ CCTV તપાસી ચાર ટીમો છત્તીસગઢ મોકલાઈ
વેપારી પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે 2,000થી વધુ CCTV ફૂટેજ ચકાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ છત્તીસગઢના હોવાનું સામે આવતા ચાર વિશેષ પોલીસ ટીમોને દુર્ગ જિલ્લામાં મોકલવામાં આવી હતી. ત્યાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી.

રેકી કર્યા બાદ ચાલુ બાઇક પરથી ફાયરિંગ
તપાસમાં જાણવા મળ્યું કે વિક્રમ પ્રતાપે અનેક વખત સ્થળની રેકી કરી હતી. ઘટનાના દિવસે તે બાઇક ચલાવી રહ્યો હતો જ્યારે પાછળ બેઠેલા ગુરજીતસિંહે વેપારી પર ગોળીબાર કર્યો હતો. ઓળખ છુપાવવા બંનેએ હેલ્મેટ અને માસ્ક પહેર્યા હતા.

ફુલપ્રૂફ પ્લાનિંગથી ઘટનાને અંજામ
આરોપીઓએ ઘટનાથી પહેલાં અનેક વખત વડોદરા આવી રેકી કરી હતી. દરમિયાન તેઓ શહેરમાં ફરી રહ્યા હતા અને ફિલ્મ પણ જોઈ હતી. એક મેડિકલ સ્ટોરના CCTV કેમેરામાં બંનેના ચહેરા સ્પષ્ટ દેખાતા પોલીસને મહત્વની કડી મળી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ટ્રેન મારફતે છત્તીસગઢ ભાગી ગયા હતા.
બોક્સ : પિસ્તોલ, બે મેગેઝીન અને 10 કારતુસ કબજે
પોલીસે બંને આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝીન અને 10 જીવતા કારતુસ કબજે કર્યા છે. હુમલામાં વપરાયેલી બાઇક અંગે વધુ તપાસ ચાલી રહી છે.

જય દયાલે વિક્રમના ખાતામાં રૂ. 2.72 લાખ પહોંચાડ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફીજીમાં રહેતા જય દયાલે પોતાના સંપર્કો મારફતે વિક્રમ પ્રતાપની પત્ની સોનલના બેંક ખાતામાં અત્યાર સુધી અંદાજે રૂ. 2.72 લાખ જમા કરાવ્યા હતા. આ રકમ હથિયાર ખરીદવા, બાઇક લેવા અને અન્ય ખર્ચ માટે આપવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિક્રમ 7 જુલાઈએ ફીજી ભાગી જવાની તૈયારીમાં હતો, તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી.
મુખ્ય શૂટર સામે અગાઉથી 19 ગુના નોંધાયેલા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય શૂટર ગુરજીત ઉર્ફે ગુર્મીત ભટ્ઠી સામે આર્મ્સ એક્ટ સહિત વિવિધ પ્રકારના કુલ 19 ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top