પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ (PF) સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ ઘણા કર્મચારીઓના હાથમાં દર મહિને મળતી ઇન-હેન્ડ સેલરીમાં વધારો થઈ શકે છે. નવા નિયમ મુજબ હવે PFમાં ફરજિયાત યોગદાનની મહત્તમ મર્યાદા દર મહિને 1,800 રાખવામાં આવી છે. એટલે કે, જે કર્મચારીઓનું PF અત્યાર સુધી તેમની વાસ્તવિક બેઝિક સેલરીના આધારે વધુ કપાત સાથે જમા થતું હતું, તેઓ હવે ઇચ્છે તો આ યોગદાન ઘટાડીને 1,800 સુધી મર્યાદિત કરી શકશે. જોકે, આ નિર્ણય સંપૂર્ણપણે કર્મચારી અને નોકરીદાતા (Employer) બંનેની સંમતિ પર આધારિત રહેશે. જો બંને પક્ષો સહમત હોય તો PFની કપાત ઘટાડીને વધુ રકમ કર્મચારીના હાથમાં આપી શકાય છે. બીજી તરફ, જો કોઈ કર્મચારી પોતાના નિવૃત્તિ ભંડોળ માટે અગાઉની જેમ વધુ PF જમા કરાવવા માંગે તો તે વિકલ્પ પણ ચાલુ રહેશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમની માસિક બેઝિક સેલરી 15,000 અથવા તેનાથી ઓછી છે, તેમના માટે દર મહિને ₹1,800નું PF યોગદાન યથાવત ફરજિયાત રહેશે. આ નિયમમાં તેમના માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી ઘણી ખાનગી કંપનીઓ કર્મચારીઓની સંપૂર્ણ બેઝિક સેલરીના આધારે PFની ગણતરી કરતી હતી. પરિણામે કેટલાક કર્મચારીઓના દર મહિને 5,000, 7,000 કે 10,000થી પણ વધુ PF કપાતા હતા. નવા નિયમ બાદ આવી વધુ કપાત હવે ફરજિયાત નહીં રહે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીની બેઝિક સેલરી 60,000 હોય તો હાલ 12 ટકા મુજબ દર મહિને લગભગ 7,200 PFમાં જમા થાય છે. જો નવા નિયમ મુજબ કર્મચારી અને કંપની બંને ફરજિયાત યોગદાનને 1,800 સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લે, તો કર્મચારીના હાથમાં દર મહિને અંદાજે 5,400થી 5,600 જેટલી વધારાની રકમ આવી શકે છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે વધુ ઇન-હેન્ડ સેલરીનો અર્થ લાંબા ગાળે PFમાં ઓછી બચત પણ થાય છે. તેથી કર્મચારીઓએ પોતાની આર્થિક જરૂરિયાત અને નિવૃત્તિ આયોજનને ધ્યાનમાં રાખીને જ PF યોગદાન ઘટાડવાનો નિર્ણય લેવો જોઈએ. સરકારના આ નવા નિયમનો મુખ્ય હેતુ કર્મચારીઓને વધુ લવચીકતા આપવાનો છે, જેથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ PFમાં યોગદાન નક્કી કરી શકે અને ઇચ્છે તો દર મહિને વધુ ઇન-હેન્ડ સેલરી મેળવી શકે.