પર્યાવરણનું રક્ષણ કરવા અને આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં આ નીતિ અંગે માઇલેજ અને એન્જિન પર તેની અસરને લઈને ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ભારતના પાડોશી દેશ ભુતાને ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી E20 પેટ્રોલ સપ્લાય કરવાની ઓફર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ભુતાને સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ભારતમાં સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ છે, ત્યાં સુધી તેને શુદ્ધ પેટ્રોલ જ આપવામાં આવે. તેના પાછળ કોઈ રાજકીય કારણ નહીં પરંતુ ટેક્નિકલ અને વૈજ્ઞાનિક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભુતાનમાં મોટાભાગની ભૂગર્ભ ઇંધણ સંગ્રહ ટાંકીઓ ઘણી જૂની છે. આ ટાંકીઓમાં ભેજ અને પાણી પ્રવેશવાની શક્યતા વધુ રહે છે. સામાન્ય પેટ્રોલ પાણી સાથે સરળતાથી ભળતું નથી, પરંતુ E20 પેટ્રોલમાં રહેલું 20 ટકા ઇથેનોલ ખૂબ જ ભેજ શોષી લેતું હોય છે. તેથી જો ટાંકીમાં ભેજ હોય તો ઇથેનોલ પાણી સાથે ભળી જાય છે અને ઇંધણની ગુણવત્તા બગડી જાય છે.
વિજ્ઞાનની ભાષામાં તેને ‘ફેઝ સેપરેશન’ કહેવામાં આવે છે. જ્યારે પાણી ઇથેનોલ સાથે ભળી જાય છે ત્યારે પેટ્રોલ અલગ પડી જાય છે અને ઇંધણ દૂધિયા રંગનું દેખાવા લાગે છે. આવા ઇંધણનો ઉપયોગ કરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન પહોંચી શકે છે તેમ જ ટાંકી અને પાઇપલાઇનમાં કાટ લાગવાનો ખતરો વધી જાય છે. ભુતાન માટે બીજી મોટી સમસ્યા તેનું પહાડી ભૂગોળ છે. ઊંચા-નીચા રસ્તાઓ પર વાહનોને વધુ શક્તિની જરૂર પડે છે. ઇથેનોલમાં સામાન્ય પેટ્રોલ કરતાં ઊર્જા ઓછી હોવાથી E20 ઇંધણથી વાહનને મળતી શક્તિમાં થોડો ઘટાડો થઈ શકે છે. પહાડી રસ્તાઓ પર આ અસર વધુ સ્પષ્ટ બની શકે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણને કારણે ભુતાનમાં ઘનીકરણ (કન્ડેન્સેશન) પણ વધુ થાય છે. ટાંકીઓની અંદર પાણીના ટીપાં બનતા રહે છે. સામાન્ય પેટ્રોલમાં આ પાણી તળિયે બેસી જાય છે અને તેને દૂર કરી શકાય છે, પરંતુ E20 પેટ્રોલમાં ઇથેનોલ પાણી સાથે ભળી જતાં આખું ઇંધણ પ્રભાવિત થઈ શકે છે.
જૂના વાહનો પણ ભુતાનની ચિંતાનું એક કારણ છે. E20 માટે તૈયાર ન હોય એવા વાહનોમાં રહેલા રબરના હોઝ, સીલ અને પ્લાસ્ટિકના ભાગો પર ઇથેનોલની અસર થઈ શકે છે. પરિણામે જાળવણી ખર્ચ વધી શકે છે અને એન્જિન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ભુતાન પર્યાવરણની દૃષ્ટિએ પણ ભારતથી અલગ સ્થિતિમાં છે. તે વિશ્વનો એકમાત્ર કાર્બન નેગેટિવ દેશ ગણાય છે. ત્યાં જંગલો એટલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે કે દેશમાંથી ઉત્સર્જિત થતો કાર્બન તેની સામે ઓછો પડે છે. તેથી પ્રદૂષણ ઘટાડવા માટે ભુતાન પર ભારત જેવી તાત્કાલિક જરૂરિયાત નથી. બીજી તરફ ભારતમાં E20 પેટ્રોલ અંગે ચર્ચા સતત વધી રહી છે. ઘણા વાહનચાલકોનું કહેવું છે કે જૂના વાહનોમાં માઇલેજમાં ઘટાડો થાય છે અને જાળવણી ખર્ચ વધી શકે છે. સરકારે સ્વીકાર્યું છે કે E20થી માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે, જોકે તેના પર એન્જિનની લાંબા ગાળાની અસર અંગે વિવિધ અભ્યાસો ચાલી રહ્યા છે.
ભુતાને ભારત પાસે એવી પણ વિનંતી કરી છે કે જો ભવિષ્યમાં ભારત સંપૂર્ણપણે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તરફ આગળ વધે તો તેની અગાઉથી જાણ કરવામાં આવે. સાથે જ સુરક્ષિત અને લીકપ્રૂફ સ્ટોરેજ ટાંકીઓ ઉભી કરવામાં પણ સહયોગ આપવા માંગ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ એક મહત્વનો સંદેશ આપે છે કે પર્યાવરણમૈત્રી ઇંધણ દરેક દેશ માટે એકસરખું યોગ્ય હોય એવું જરૂરી નથી. કોઈપણ ઇંધણ નીતિ અમલમાં મૂકતી વખતે તે દેશની ભૌગોલિક સ્થિતિ, હવામાન, વાહનોની સ્થિતિ અને ઇંધણ સંગ્રહ વ્યવસ્થા જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવા જરૂરી બને છે.