Sports

ફ્રાન્સની જીત બાદ મેદાનમાં ગરમાયો માહોલ, એમબાપ્પે-પરાગ્વે ખેલાડીઓ વચ્ચે ઉગ્ર વિવાદ

FIFA વર્લ્ડ કપ 2026ની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે પરાગ્વેને 1-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. જોકે, આ મેચમાં જીત કરતાં વધુ ચર્ચા મેચ બાદ સર્જાયેલા વિવાદની થઈ રહી છે. ફ્રાન્સના સ્ટાર ખેલાડી કિલિયન એમબાપ્પે અને પરાગ્વેના ખેલાડીઓ વચ્ચે મેચ દરમિયાન અને ત્યારબાદ ભારે તણાવ જોવા મળ્યો હતો. ફિલાડેલ્ફિયાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન તાપમાન લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ હતું. ગરમી વચ્ચે બંને ટીમોએ આક્રમક રમત રમી હતી. શરૂઆતથી જ પરાગ્વેના ખેલાડીઓએ એમબાપ્પેને રોકવા માટે કડક ટેકલ અને શારીરિક રમત અપનાવી હતી. તેના કારણે અનેક વખત બંને ટીમના ખેલાડીઓ આમને-સામને આવી ગયા હતા.

મેચ દરમિયાન એન્ડ્રેસ ક્યુબાસ અને માટિયાસ ગલાર્જાએ એમબાપ્પે પર કરેલા કડક ટેકલ બાદ મેદાન પર થોડા સમય માટે ધક્કા-મુક્કી પણ થઈ હતી. બંને ટીમના ખેલાડીઓને વચ્ચે પડીને મામલો શાંત કરવો પડ્યો હતો. અહેવાલો મુજબ મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે સતત બોલાચાલી પણ ચાલતી રહી હતી. મેચનો નિર્ણાયક ક્ષણ 70મી મિનિટે આવ્યો હતો. ફ્રાન્સને પેનલ્ટી મળતાં કિલિયન એમબાપ્પેએ શાંતિથી બોલને જાળીમાં મોકલી પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. આ ગોલ જ અંતે મેચનો વિજેતા ગોલ સાબિત થયો અને ફ્રાન્સે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. પરંતુ મેચ પૂરી થયા બાદ સૌથી મોટો વિવાદ સર્જાયો. અંતિમ વ્હીસલ બાદ પરાગ્વેના ગોલકીપર ઓર્લેન્ડો ગિલ ખેલદિલી દર્શાવવા માટે એમબાપ્પે સાથે હાથ મિલાવવા આગળ આવ્યા હતા. જોકે, એમબાપ્પેએ તેમની તરફ ધ્યાન આપ્યા વગર આગળ વધી ગયો. આ વર્તનથી ગોલકીપર ગિલ નારાજ થઈ ગયા અને તેમણે હાથમાં રહેલો ફૂટબોલ ગુસ્સામાં એમબાપ્પેની પાછળ ફેંકી માર્યો.

આ સમગ્ર ઘટના સ્ટેડિયમમાં હાજર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને ફૂટબોલ ચાહકો વચ્ચે તેની ભારે ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોએ ગોલકીપરના વર્તનની ટીકા કરી છે, જ્યારે કેટલાકે એમબાપ્પેએ હાથ ન મિલાવવો યોગ્ય ન હોવાનું કહ્યું છે. મેચ બાદ એમબાપ્પેએ પણ પરાગ્વેની રમત પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, “અમને પહેલાથી જ ખબર હતી કે મેચ કઠિન રહેશે. જો જરૂર પડે તો અમે પણ આક્રમક ફૂટબોલ રમતા આવડે છે. કદાચ પરાગ્વેના ખેલાડીઓને લાગતું હશે કે અમે મેદાનમાં માત્ર દેખાવ કરવા આવ્યા છીએ, પરંતુ અમે દરેક પડકારનો સામનો કરવા તૈયાર હતા.” બીજી તરફ પરાગ્વેના ગોલકીપર ઓર્લેન્ડો ગિલે મેચ બાદ કહ્યું કે જો ફ્રાન્સને મળેલી પેનલ્ટી ન મળી હોત તો તેમની ટીમ મેચને એક્સ્ટ્રા ટાઇમ સુધી લઈ જઈ શકતી હતી. તેમના મતે તે પેનલ્ટી મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.

આ ગોલ સાથે કિલિયન એમબાપ્પેએ પોતાના વર્લ્ડ કપ કારકિર્દીમાં કુલ 19 ગોલ પૂરા કર્યા છે. હવે તે લિઓનલ મેસ્સીના 20 વર્લ્ડ કપ ગોલના આંકડાથી માત્ર એક ગોલ પાછળ છે. આગામી મેચમાં ગોલ કરવામાં સફળ રહેશે તો તે મેસ્સીના આ ખાસ રેકોર્ડની બરાબરી કરી શકે છે. આ ઉપરાંત એમબાપ્પેએ વધુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. તે સતત ત્રણ અલગ-અલગ વર્લ્ડ કપમાં નોકઆઉટ તબક્કાની મેચોમાં ઓછામાં ઓછા ત્રણ ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો છે. આ સિદ્ધિ તેની સતત શાનદાર રમતનો પુરાવો માનવામાં આવી રહી છે. હવે ફ્રાન્સની નજર ક્વાર્ટર ફાઇનલ પર છે, જ્યાં 10 જુલાઈએ તેનો મુકાબલો મોરોક્કો સામે થશે. ફ્રાન્સ પોતાની જીતની લય જાળવવા માંગશે, જ્યારે મોરોક્કો મોટી ઉથલપાથલ સર્જવાનો પ્રયાસ કરશે. બીજી તરફ એમબાપ્પે ફરી એકવાર મેદાન પર પોતાની રમતથી ચર્ચામાં રહે છે કે પછી કોઈ નવા વિવાદને કારણે, તેના પર સમગ્ર ફૂટબોલ જગતની નજર રહેશે.

Most Popular

To Top