પોલીસની હાજરીમાં સમાધાન, ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત અપાઈ
ચોમાસામાં ફૂડ સેફ્ટી સામે ફરી સવાલો; પાલિકાની ખોરાક શાખાની કામગીરી પર ઉઠી ટીકા
વડોદરા, તા. 5: વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ડોમીનોઝ પિઝા આઉટલેટમાંથી મંગાવેલા પિઝામાં જીવડું નીકળ્યાનો એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ઘટના સામે આવતા ગ્રાહકે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં આઉટલેટ દ્વારા ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત ચૂકવી આપવામાં આવી હતી.
હાલ ચોમાસાની ઋતુમાં જીવજંતુઓ અને ઉડતી માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. આવા સમયે પ્રતિષ્ઠિત ફૂડ આઉટલેટમાંથી મળેલા ખોરાકમાં જીવડું નીકળ્યાના આક્ષેપને પગલે ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. નાગરિકોમાં ચર્ચા છે કે જો જાણીતી બ્રાન્ડના આઉટલેટમાં પણ આવી સ્થિતિ જોવા મળે તો અન્ય નાના ફૂડ એકમોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે?
નાગરિકોએ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તમામ ફૂડ આઉટલેટ્સની નિયમિત ચકાસણી કરવામાં આવે અને નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.