Vadodara

નદીમાં ન્હાવા ઉતરેલા ખેત મજૂરને મગરે ખેંચી લીધો; પારા ગામે કરુણ ઘટનાથી અરેરાટી

મધ્યપ્રદેશથી પરિવાર સાથે મજૂરી કરવા આવેલા 40 વર્ષીય શ્રમિકનું મોત; પત્ની અને બે નાના બાળકો પર આભ તૂટી પડ્યું
વડોદરા, તા. 5: ડભોઇ તાલુકાના પારા ગામે નદીમાં ન્હાવા ઉતરેલા એક પરપ્રાંતીય ખેત મજૂર પર મગરે જીવલેણ હુમલો કરતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવાર સાથે મજૂરી કરવા આવેલા શ્રમિકના આકસ્મિક અવસાનથી પત્ની અને બે નાના બાળકો નિરાધાર બન્યા છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંઢવા તાલુકાના સુગઠ ગામના રહેવાસી 40 વર્ષીય બજારિયાભાઈ નશરૂભાઈ નાયક છેલ્લા બે મહિનાથી ડભોઇ તાલુકાના પારા ગામે પરિવાર સાથે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. રવિવારે બપોરે તેઓ પરિવારને નદી કિનારે બેસાડી પોતે ન્હાવા માટે નદીમાં ઉતર્યા હતા. તે દરમિયાન નદીમાં રહેલા મગરે અચાનક તેમના પર હુમલો કરીને તેમને ઊંડા પાણીમાં ખેંચી લીધા હતા.
પતિ પર મગરના હુમલાને જોઈ પત્નીએ મદદ માટે બૂમાબૂમ કરતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ગ્રામજનોએ મગરના મુખમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ, ડભોઇ વન વિભાગની ટીમ તેમજ સ્થાનિક એનજીઓના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કરુણ ઘટનાએ માત્ર એક પરિવારનો આધાર છીનવી લીધો નથી, પરંતુ નદીકાંઠાના વિસ્તારોમાં મગરોના વધતા જોખમ સામે પણ ગંભીર ચિંતા ઊભી કરી છે. સ્થાનિકોએ વન વિભાગને આવા સંવેદનશીલ વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ, પેટ્રોલિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે.

Most Popular

To Top