Vadodara

બે વર્ષની રજૂઆતો છતાં તંત્ર ઊંઘતું રહ્યું! સલાટવાડામાં પીપળાની વિશાળ ડાળી તૂટી પડતાં ચારથી વધુ ટુ-વ્હીલર દબાયા

ગેરેજના કમ્પાઉન્ડમાં સર્જાઈ ઘટના; સદનસીબે કોઈ જાનહાનિ નહીં, વાહનોને ભારે નુકસાન

જર્જરિત વૃક્ષ હટાવો’ની વારંવારની અરજીઓ છતાં કાર્યવાહી નહીં; સ્થાનિકોમાં પાલિકા સામે રોષ

વડોદરા, તા. 5: શહેરના સલાટવાડા સ્થિત વણીકર પાગા વિસ્તારમાં આવેલા એક ગેરેજના કમ્પાઉન્ડમાં વર્ષો જૂના પીપળાના વૃક્ષની વિશાળ ડાળી અચાનક તૂટી પડતાં નીચે પાર્ક કરાયેલા ચારથી વધુ ટુ-વ્હીલર દબાઈ ગયા હતા. ઘટનામાં વાહનોને નુકસાન થયું હતું, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

ગેરેજના માલિકના જણાવ્યા મુજબ, જર્જરિત હાલતમાં આવેલા આ પીપળાના વૃક્ષને દૂર કરવા માટે છેલ્લા બે વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આખરે આ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું

.ઘટના બાદ સ્થાનિક રહીશોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે જો સમયસર જોખમી ડાળી અથવા વૃક્ષ દૂર કરવામાં આવ્યું હોત તો વાહનોને થયેલું નુકસાન સરળતાથી ટાળી શકાયું હોત.

ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં જર્જરિત વૃક્ષો અને ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિકોએ મહાનગરપાલિકા દ્વારા શહેરભરના જોખમી વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી કાપકૂપ અને સલામતીના પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

Most Popular

To Top