લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે એ વાત તો સાચી જ છે. બોલિવૂડમાં પણ આજકાલ એ જ ચાલી રહ્યું છે. ફિલ્મ ધુરંધરની સફળતાથી રણવીર સિંઘનો સિતારો જે રીતે ચમકી ગયો તે જોતા બોલિવૂડની કેટલાક સ્ટાર કિડ્સ(એક્ટ્રેસીસ) વચ્ચે રણવીર સાથે કામ કરવા માટે હરીફાઈ ચાલી રહી છે. નેપો કિડ્સ રણવીર સાથે કામ કરવા માટે, તેને મનાવવા માટે જાતજાતની લાગવગ લગાવી રહ્યા છે. પરંતુ, રણવીરે એક વાર જે નિર્ણય કરી લીધો છે તેમાં પરિવર્તન લાવવા ઈચ્છતો નથી.
યશ રાજની બેન્ડ બાજા બારાતથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર રણવીર સિંઘની ફિલ્મોની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. બોલિવૂડમાં રણવીર એક ‘આઉટસાઇડર’ છે જેને શરૂઆતમાં કેટલાક નેપો કિડ્સ પસંદ કરતા ન હતા. સ્વાભાવિક છે કે પેઢી દર પેઢી જેણે બોલિવૂડ પર રાજ કર્યું હોય તેમાં એક બહારની વ્યક્તિ આવીને તેમના કરતાં વધારે સફળતા મેળવી જાય તે કોઈ કેવી રીતે સહન કરી શકે? છતાં, રણવીરે બાજીરાવ મસ્તાની, પદ્માવત, ગલ્લી બોય, સિમ્બા અને સિંઘમ અગેન જેવી ઘણી સફળ ફિલ્મો આપી. પરંતુ, રણવીરની છેલ્લી બે ફિલ્મો ‘ધુરંધર અને ધુરંધર ૨’ની ભવ્ય સફળતાએ લોકોનો તેના તરફનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. અત્યાર સુધી જે લોકો રણવીરને ગંભીરતાથી લેતા ન હતા તેઓ પણ હવે તેને એક ‘બેન્કેબલ’ એક્ટર માનવા લાગ્યા છે. ધુરંધરની સફળતાએ બોલિવૂડના સંબંધોના સમીકરણો પણ બદલી નાખ્યા છે. બધા હવે રણવીર સાથે કામ કરવા માંગે છે કારણ કે તેમાં તેમને પોતાની સફળતાની ચાવી દેખાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્ટાર કિડ્સ તરીકે ઓળખાતી અભિનેત્રીઓ જાહ્નવી, સારા અને અનન્યા રણવીર સાથે કામ કરવા માટે હરીફાઈમાં ઉતર્યા છે. ધુરંધર પછી હવે રણવીર પોતાના પ્રોડક્શનની ફિલ્મ ‘પ્રલય’ લાવી રહ્યો છે જેમાં ફીમેલ લીડ રોલ માટે સાઉથની અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શનની પસંદગી થઈ ચૂકી છે. પરંતુ કહેવાય છે કે હજી સેકન્ડ ફીમેલ લીડ તરીકેની પસંદગી કરવાની બાકી છે અને તેના માટે જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને સારા અલી ખાન પોતપોતાની લાગવગ લગાવી રહ્યા છે. રણવીરની આ ફિલ્મ એક એક્શન થ્રિલર ફિલ્મ છે અને હાઈ બજેટ અને રણવીરને કારણે હાઈ કાસ્ટ ધરાવે છે. આવી ફિલ્મ બોલિવૂડમાં ઓછી આવે છે. એટલે આ ફિલ્મ ઘણાને તેમની સફળતાની ચાવી સમાન લાગે છે. આ ત્રણેય અભિનેત્રીઓને અત્યાર સુધી જે થોડી ઘણી ફિલ્મો મળી તેમાં તેમને હજી સુધી એટલી સફળતા મળી નથી. એક રીતે જોવા જઈએ તો આ એ જ અભિનેત્રીઓ છે જેમને સ્ટાર કિડ્સ હોવાને કારણે થોડી ઘણી ફિલ્મોમાં કામ મળી રહ્યું છે. છતાં, તેઓ આ વાત પોતે ઘણીવાર નકારે છે. તેમને ઘણીવાર કહેતા પણ સાંભળવામાં આવ્યા છે કે તેમને સ્ટાર કિડ્સ તરીકે જોવામાં ન આવવા જોઈએ પરંતુ એક કલાકાર તરીકે, એક એક્ટ્રેસ તરીકે જોવામાં આવવા જોઈએ. પરંતુ, જ્યારે પણ ફિલ્મમાં કામ મેળવવાની વાત આવે ત્યારે તેઓ પોતાનો સ્ટાર કિડ્સ હોવાનો ફાયદો ઉઠાવી લે છે. અગાઉ, એવી વાત જાણવા મળી હતી કે, આલિયા ભટ્ટ પણ રણવીર સાથે પ્રલયમાં લીડ રોલમાં આવવાના પ્રયત્નો કરી રહી હતી. પરંતુ, પ્રલય ફિલ્મના ડિરેક્ટર જય મહેતા ૨-૩ મહિનાથી સાઉથની અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન સાથે આ વિષે વાતચીત કરી રહ્યા હતા. આમ, એક ફીમેલ લીડનું નામ તો નક્કી થઈ જ ગયું હતું, પરંતુ, સેકન્ડ ફીમેલ લીડ માટે જાહ્નવીએ ઘણા પ્રયત્નો કર્યા હતા. તેણે તેના ભાઈ અર્જુન કપૂર થકી રણવીરને અને ફિલ્મના ડિરેક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો બીજી બાજુ, સારાને પણ આ ફિલ્મમાં રોલ મેળવવા માટે પોતાના PR થકી ઘણા પ્રયત્નો કર્યા છે. બોલિવૂડમાં નેપો કિડ્સ દ્વારા ફિલ્મમાં રોલ મેળવવા માટે પોતાના સ્ટાર કિડ્સ હોવાનો ફાયદો ઉઠાવવાની બાબત ઘણી સામાન્ય છે. અને આ બાબતમાં આલિયાનું નામ સૌથી મોખરે રહે છે પરંતુ, આ વખતે સારા અલી ખાન અને જાહ્નવી કપૂરનું નામ લેવાઈ રહ્યું છે. કેટલાક કહે છે કે અનન્યા પાંડેએ પણ આ ફિલ્મ માટે પોતાની લાગવગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તેનું નામ બહાર આવ્યું ન હતું. અગાઉ અનન્યાએ પતિ પત્ની ઔર વો માં તાપસી પન્નુને રિપ્લેસ કરીને તે રોલ પોતાના નામ પર કરી દીધો હતો. હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણવીર આ ફિલ્મ માટે બોલિવૂડની કોઈ જાણીતી અભિનેત્રીને લેવા માંગતો નથી, તે કોઈ ફ્રેશ ફેસને લેવા માંગે છે.
હવે સવાલ એ છે કે નેપો કિડ્સ શા માટે રણવીર સિંઘની જ ફિલ્મ કે પછી કોઈ આઉટસાઇડરની ફિલ્મમાં કામ કરવા માટે જ લોબિંગ કરે છે? આવી ઘટના રણબીર કપૂર કે અન્ય કોઈ સ્ટાર કિડ્સની ફિલ્મ માટે કેમ થતી નથી? તેની પાછળનું કારણ એ છે કે જો તે ફિલ્મ સફળ ન રહે તો તેઓ સરળતાથી દોષનો ટોપલો આઉટસાઇડરના માથે ઢોળી શકે છે. અને જો ફિલ્મ સફળ રહે તો તેની સફળતાનો ફાયદો તેઓ લઈ શકે છે. આમ, આ રીતે રણવીર સાથે ફિલ્મ કરવામાં તેમને બધી જ રીતે ફાયદો દેખાય છે. તો બીજી બાજુ, રણવીર તેની ફિલ્મ પ્રલય માટે એવી એક્ટ્રેસને લેવા નથી માંગતો કે જેમના પેરેન્ટ્સ આ ઇન્ડસ્ટ્રીમાં પહેલાથી જ સફળ હોય અને જેમણે એક્ટિંગ માટે કોઈ યોગ્ય તાલીમ લીધી ન હોય. આમ, રણવીર માટે નેપો કિડ્સ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તેમને આ ફિલ્મમાં લેવાનો નથી. રણવીર એક નવા ચહેરાની શોધમાં છે અને તે કોણ હશે તે તો જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે! •