દિલ્હી સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી સમયમાં દિલ્હીના લાખો રેશનકાર્ડ ધારકોને ‘સ્માર્ટ-PDS’ (Smart-PDS) પ્રોજેક્ટનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ હવે રેશન લેવાની પ્રક્રિયા સંપૂર્ણપણે હાઇ-ટેક થઈ જશે, જેમાં QR કોડ અને ફેસિયલ રિકગ્નિશન જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
સ્માર્ટ-PDS શું છે?
’સ્માર્ટ-PDS’ એટલે કે ‘સ્કીમ ફોર મોડર્નાઈઝેશન એન્ડ રિફોર્મ્સ થ્રુ ટેકનોલોજી ઇન પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ’. આ કેન્દ્ર સરકારની એક મહત્વકાંક્ષી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણમાં રહેલી ખામીઓ, ભ્રષ્ટાચાર અને અનાજની કાળાબજારીને ડામવાનો છે. દિલ્હી સરકાર આ પ્રોજેક્ટના અમલીકરણ દ્વારા રેશનકાર્ડ ધારકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માંગે છે.
આ નવી સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ
૧. QR કોડ આધારિત રેશનકાર્ડ:
હવે તમારા સામાન્ય રેશનકાર્ડને બદલે સ્માર્ટ રેશનકાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ પર એક સુરક્ષિત QR કોડ હશે. જ્યારે તમે રાશનની દુકાને જશો, ત્યારે તમારો QR કોડ સ્કેન કરવામાં આવશે, જેનાથી તમારી ઓળખ અને કાર્ડની વિગતો તરત જ વેરિફાય થઈ જશે.
2: ફેસિયલ રિકગ્નિશન (ચેહરો સ્કેન કરીને રાશન):
ઘણીવાર વૃદ્ધો અથવા કામદારોને ફિંગરપ્રિન્ટ (અંગૂઠાનું નિશાન) ન મળવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ નવી ટેકનોલોજીથી હવે માત્ર કેમેરા સામે ઉભા રહેવાથી તમારા ચહેરાને સ્કેન કરીને તમારી ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. આનાથી બાયોમેટ્રિક ફેલ્યોરની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
૩. ઘરે બેઠા મળશે દરેક જાણકારી:
આ સિસ્ટમનું સૌથી મોટું પાસું એ છે કે લાભાર્થી ઘરે બેઠા ઓનલાઈન ટ્રેક કરી શકશે કે તેના હિસ્સાનું રાશન (ઘઉં, ચોખા, દાળ વગેરે) દુકાન પર પહોંચ્યું છે કે નહીં. આ માટે સરકાર એક સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ તૈયાર કરી રહી છે, જ્યાંથી તમે રેશનકાર્ડની સ્થિતિ, પાત્રતા અને અન્ય સેવાઓનો લાભ લઈ શકશો.
4: આ ફેરફારથી લાભાર્થીઓને થતા ફાયદા
પારદર્શિતા: ડિજિટલ રેકોર્ડિંગને કારણે રાશનના વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતા નહીંવત થઈ જશે.
વન નેશન, વન રેશન કાર્ડ: આ સિસ્ટમ કેન્દ્ર સરકારના ‘વન નેશન, વન રેશન કાર્ડ’ પ્રોગ્રામ સાથે જોડાયેલી છે. આથી, દિલ્હીના લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાં હોય,પોતાની અનુકૂળતા મુજબ અન્ય રાજ્યમાં પણ રાશન લઈ શકશે.સમયની બચત: લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે અને ડિજિટલ પ્રક્રિયાને કારણે રાશન લેવાની પ્રક્રિયા ઝડપી બનશે.
5 : દસ્તાવેજોનો ભરાવો ઘટશે: ડિજિટલ વર્કફ્લોને કારણે રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા કે અન્ય ફેરફારો માટે વારંવાર કચેરીઓના ચક્કર કાપવા નહીં પડે.
કેવી રીતે કામ કરશે આ પ્રક્રિયા?
સરકાર દ્વારા આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે આ સિસ્ટમના વિવિધ મોડ્યુલોનું ટેસ્ટિંગ કરી રહી છે. એકવાર આ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય, પછી દરેક રાશનની દુકાન પર ખાસ ડિજિટલ ઉપકરણો મૂકવામાં આવશે. લાભાર્થી ત્યાં જઈને પોતાના કાર્ડના QR કોડ દ્વારા અથવા ફેસ સ્કેનિંગ દ્વારા રાશન પ્રાપ્ત કરી શકશે. સમગ્ર વ્યવહારનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે.
દિલ્હીના લગભગ 15 થી 17 લાખ રેશનકાર્ડ ધારકો માટે આ એક મોટી રાહતના સમાચાર છે. સરકારનો આ પ્રયાસ સાબિત કરે છે કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનને કેટલું સરળ બનાવી શકે છે. તમે પણ નજીકના ભવિષ્યમાં તમારા નજીકના રેશનના ડેપો પર આ ડિજિટલ સુવિધાનો લાભ મેળવી શકશો.