Entertainment

‘3 Idiots’ ના ફુન્સુખ વાંગડુ અને સોનમ વાંગચુક વચ્ચે કોઈ સંબંધ નથી: આમિર ખાને કહ્યું- “ચતુર ખોટો છે”

દિલ્હીના જંતર-મંતર ખાતે લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ચાલી રહેલી ભૂખ હડતાળ વચ્ચે બોલિવૂડ જગત પણ તેમની તરફેણમાં અવાજ ઉઠાવી રહ્યું છે. તાજેતરમાં જ ફિલ્મ ‘3 Idiots’ માં ‘ચતુર રામલિંગમ’ (સાયલન્સર) નું પાત્ર ભજવનાર અભિનેતા ઓમી વૈદ્ય અને બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સહિતના કલાકારોએ સાર્વજનિક રીતે સોનમ વાંગચુકને સમર્થન જાહેર કર્યું હતું. જો કે, આ દરમિયાન અભિનેતા આમિર ખાને એક મોટો ખુલાસો કરીને સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મનું લોકપ્રિય પાત્ર ‘ફુન્સુખ વાંગડુ’ સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતું.

બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના કાર્યક્રમમાં મોટો ખુલાસો

લંડનમાં બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના એક કાર્યક્રમ દરમિયાન આમિર ખાને આ વર્ષો જૂની અફવા પરથી પડદો હટાવતા કહ્યું: “ના, વાસ્તવમાં આ સત્ય નથી, માત્ર એક ગેરસમજ છે. જ્યારે અમે આ ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે મને કે ટીમના અન્ય સભ્યોને મિસ્ટર સોનમ વાંગચુક વિશે કોઈ માહિતી જ નહોતી.”  આમિર ખાને ઉમેર્યું કે, “મેં તાજેતરમાં ચતુર (ઓમી વૈદ્ય) નો એક વીડિયો જોયો જેમાં તેણે આવી વાત કરી હતી. પરંતુ તે ખોટો છે. કદાચ ચતુર એવું વિચારતો હોય, પરંતુ હું તમને ખાતરી આપું છું કે ન તો ડિરેક્ટર રાજકુમાર હિરાની, ન તો રાઈટર અભિજિત જોશી અને ન તો મને સોનમ વાંગચુક વિશે કઈ ખબર હતી.”

સોનમ વાંગચુકના કામના કર્યા વખાણ

પાત્ર પ્રેરિત ન હોવા છતાં, આમિર ખાને સોનમ વાંગચુકના લદ્દાખ માટેના કાર્યોને બિરદાવ્યા હતા. આમિર ખાને જણાવ્યું કે, “મિસ્ટર સોનમ વાંગચુક જે અદભુત કામ કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમના અને તેમના કાર્ય પ્રત્યે આદર રાખવા માટે એ બિલકુલ જરૂરી નથી કે તેમનું પાત્ર ‘3 Idiots’ ના ફુન્સુખ વાંગડુ સાથે જોડાયેલું હોય. તેઓ પોતાના દમ પર દેશ માટે ઉત્કૃષ્ટ સેવા કરી રહ્યા છે.”

શા માટે શરૂ થઈ હતી આ ચર્ચા?

ફિલ્મ ‘3 Idiots’ વર્ષ 2009 માં રિલીઝ થઈ હતી, જેમાં આમિર ખાને ભજવેલું ‘રેન્ચો’ એટલે કે ‘ફુન્સુખ વાંગડુ’ નું પાત્ર એક વૈજ્ઞાનિક અને શિક્ષકનું હતું, જે લદ્દાખમાં બાળકો માટે નવીનતમ પ્રયોગોવાળી શાળા ચલાવે છે. વાસ્તવિક જીવનમાં સોનમ વાંગચુક પણ લદ્દાખમાં સમાન પ્રકારની શૈક્ષણિક અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ ચલાવતા હોવાથી, લોકો અને ખુદ ફિલ્મના કેટલાક સહ-કલાકારો એવું માની બેઠા હતા કે આ પાત્ર વાંગચુકના જીવન પરથી જ લેવામાં આવ્યું છે.

Most Popular

To Top